ડુંગળી કરતાં ડેટા સસ્તો (હાસ્ય કવિતા)


કોણ કહે છે કે મોબાઈલ સર્વિસના ભાવ વધી ગયા ? અમે તો કહીએ છીએ કે આજે દેશમાં સસ્તામાં સસ્તી કોઈ ચીજ હોય તો ડેટા જ છે…

***

ડુંગળી કરતાં

ડેટા સસ્તો…

હેલ્લો, શું કહો છો !

***

દૂધ કરતાં

ડેટા સસ્તો…

દૂધ ક્યારેક ફાટી પણ જાય

ડેટા તો હંમેશા ‘ફાડી’ નાંખે !

હેલ્લો, શું કહો છો…

***

પોપકોર્નની ‘બકેટ’ કરતાં

ડેટા-પેકની ‘બકેટ’ સસ્તી…

ચા પતી જાય પાંચ મિનિટમાં

ડેટા ચાલે મહિનો…

૨૦૦ રૂપિયામાં એક પિક્ચર

2GBમાં આઠ પિક્ચર…

હેલ્લો, શું કહો છો !

***

માવાની મારો પિચકારી

દૂર જશે બસ દસ ફૂટ.

પણ વોટ્સ-એપનો વોઈસ કોલ…

કાપે હજારો કિલોમીટર !

યુધ્ધ કરતાં

‘પબ-જી’ સસ્તું…

હેલ્લો, શું કહો છો !

***

સાઈકલની ટ્યૂબ કરતાં

યુ-ટ્યૂબની ટ્યૂબ સસ્તી...

ટેક્સ્ટ બુકની બુક કરતાં

ફેસબુકની લુક સસ્તી...

ટેલિગ્રામના રેટ કરતાં

સસ્તું ઈન્સ્ટાગ્રામ….

ભલે વધતી બેકારી

તોય, બિઝી આખું ગામ !

'વર' કરતાં

ટાવર સસ્તો…

હેલ્લો, શું કહો છો !

ડુંગળી કરતાં

ડેટા સસ્તો..

હેલ્લો, શું કહો છો !

***

- મન્નુ શેખચલ્લી

Comments