દારૂબંધી, ડિપ્લોમેટ અને સમજુતી...


એક ઈન્સપેક્ટરે એક ધનવાન શેઠના બંગલામાં રાત્રે બે વાગે છાપો માર્યો. પછી મળી આવેલી શંકાસ્પદ સામગ્રી વિશે પૂછપરછ કરતાં તેમમે કોઈ ડિટેક્ટીવની અદામાં કહ્યું :

“જુઓ મિસ્ટર શેઠ, આ પાંચ બેડરૂમનો બંગલો તમારા નામે છે...”

“જી.”

“તમારા આ બંગલામાં ડાબી તરફથી બીજા નંબરનો બેડરૂમ તમારા અંગત વપરાશ માટે વાપરો છો...”

“જી.”

“એ બેડરૂમના વોર્ડરોબના કબાટમાં જ્યાં તમારાપેન્ટ, શર્ટ, 
નાઈટ ડ્રેસ,બનિયાન, અંડરવેર મુકવામાં આવે છે એ કંમ્પાર્ટમેન્ટમાં તમારા લાઈટ ગ્રીન, લાઈટ બ્રાઉન અને લાઈટ ગ્રે કલરના શર્ટની થપ્પીની ઉપર તથા ડાર્ક ગ્રીન, ડાર્ક બ્રાઉન અને ડાર્ક ગ્રે કલરના પેન્ટની થપ્પીની નીચે, અર્થાત, એ બે થપ્પીઓની વચ્ચેથી એક બોટલ મળી આવી છે જેની ઉપર લાગેલા લેબલમાં ‘ડિપ્લોમેટ’ એવું નામ લખ્યું છે.”

“જી.”

“બોટલમાં રહેલા પ્રવાહીને સુંઘતાં માલુમ પડે છે કે તેમાં વ્હીસ્કી હોવાની પુરેપુરી શક્યતા છે. એટલું જ નહિ, એ જ કબાટના એક ખાનાના જમણી બાજુ તરફના ખૂણામાંથી માઉન્ટ આબુમાં આવેલી એક લાયસન્સ્ડ શરાબની દુકાનનું બિલ, એ જ બ્રાન્ડની એ જ વ્હીસકીની ટેક્સ સહિતની રકમનું, મળી આવ્યું છે.”

“જી.”

“બિલની તારીખ પણ માત્ર ચાર દિવસ પહેલાંની છે. બિલમાં નામ પણ તમારું જ છે.”

“જી.”

“ડિપ્લોમેટ નામ ધરાવતી બોટલનું લેબલ એક ખૂણેથી સ્હેજ ફાટી ગયેલું છે તથા બીજા ખૂણેથી જરીક ઉખડીને વળી ગયેલું છે. એટલું જ નહિ, એ બોટલ ઉપર જે ફિંગરપ્રિન્ટ મળી આવ્યા છે તે તમારી આંગળીઓની છાપ સાથે મળતા આવે છે..”

“જી.”

“તો હવે તમને શું લાગે છે ? આપણે કોઈ અંદરો અંદર સમજુતી ના કરી લેવી જોઈએ ?”

શેઠ સાહેબ બે ઘડી તો કંઈ બોલી જ ના શક્યા. પછી એમણે કહ્યું :

“સમજુતી ચોક્કસ થઈ શકે ને ! જુઓ, મારી પાસે ગ્લાસ, સોડા, આઈસ વગેરે છે... બસ તમે બહારથી ક્યાંકથી તળેલા કાજુ અથવા શિંગ ભુજિયાં મંગાવી આપો તો..”

***

- મન્નુ શેખચલ્લી

Comments