વિરોધ વિચિત્ર, ઝૂંબેશ સાચી !


દ. આફ્રિકાના એક ક્રિકેટરે પોતાની અડધી મૂછ અને અડધી દાઢી મુંડી નાંખી ! પછી પોતાનો ફોટો સોશિયલ મિડિયામાં મુક્યો !

શા માટે ? તો કહે છે, દુનિયામાં ગેંડાઓનો શિકાર થાય છે એના વિરોધમાં !

અલ્યા ભઈ, ક્યાં તમારી દાઢી-મૂછ અને ક્યાં ગેંડાનો શિકાર ? કંઈ લેવા દેવા જ ક્યાં છે ? અમે કહીએ છીએ કે આવા વિચિત્ર નુસખાનો ઉપયોગ ‘સાચી ઝૂંબેશો’ માટે થવો જોઈએ. જેમ કે…

***

અડધું મુંડાવેલ માથું

અડધું માથું અસ્ત્રા વડે છોલી નાંખેલું હોય અને બાકીના અડધા માથામાં વાળ અસ્ત વ્યસ્ત પડ્યા હોય એવો ફોટો મુકીને કહો :

“સરકારે આખા દેશમાં જ્યાં રસ્તાના, ગટરનાં, પુલોનાં તથા રેલવે લાઈનોનાં કામો અધૂરા રાખ્યાં છે તે પહેલાં પુરાં કરાવો... પછી બીજી વાત !"

***

અડધી મુંડાવેલી મૂછ

એક તરફ સરસ મઝાની, શૂરવીરોને શોભે તેવી આંકડો વાળેલી મૂછ હોય અને બીજી તરફની મૂછ સફાચટ કરી નાંખેલી હોય !

કોઈ સિનીયર શિવસૈનિક આવો ફોટો મુકીને લખી શકે :

“શિવસેનાએ જે રીતે દંભી સેક્યુલર પાર્ટીઓ જોડે જોડાણ કર્યું છે એ પછી મને આવું જ લાગ્યા કરે છે…”

***

અડધાં કપાયેલાં કપડાં

શરીરનો ડાબો ભાગ આખો ઉઘાડો હોય...

અને જમણા ભાગે અડધું કપાયેલું શર્ટ, અડધું કપાયેલું પેન્ટ, (જાંઘિયો આખો, ભૈશાબ.) એક મોજું અને એક બૂટ પહેરીને ઊભો રહેલો આમ આદમી લખી શકે :

“હું નોકરીયાત છું. મારો પગાર ટેક્સ કપાઈને જ આવે છે. એ ઉપરાંત તમામ ખર્ચ, ખરીદી, મનોરંજન, ટ્રાફિક દંડ, સ્કુલ-ફી, ડોનેશન, હપ્તા, જીએસટી અને લાંચ આપ્યા પછી મારી પાસે આટલું જ બચે છે.”

***

સની લિઓન બિકીનીમાં

“જોયા શું કરો છો ? મને કોઈ વાતે વિરોધ નથી. તમે જોયા કરો તેનો પણ નથી! જુઓ… જુઓ… જરૂર જુઓ…”

***

- મન્નુ શેખચલ્લી

Comments