આપણા દેશી ઈંગ્લીશ એક્સેન્ટો !


‘એકસેન્ટ’ એટલે શું, ખબર છે ને ? શબ્દો ઉચ્ચારવાની રીત.

સીધો સાદો ગુજરાતી શબ્દ છે : ‘ક્યાં’… પણ ઉત્તર ગુજરાતમાં એને ‘ચ્યોં’ કહે છે, નડિયાદ બાજુ ‘ક્યોં’ બોલાય છે, ભરુચ અંકલેશ્વર તરફ ‘કંઈં’ (કંઈં ગયેલો અલા ?) કહેશે. સુરતમાં એ જ ક્યાંનું ‘કાં’ થઈ જાય જેમાં થોડો ‘હ’ ભળે એટલે સાંભળવામાં ‘ક્હાં’ હંભળાય, પોયરા! એ જ ક્યાં સૌરાષ્ટ્રમાં‘કિંયાં’ થઈ જાય છે.

હવે ભૈશાબ, આપણા ગુજરાતની ગુજરાતી જ આપણે પાંચ રીતે બોલતા હોઈએ તો અંગ્રેજોની અંગ્રેજીના ઉચ્ચાર કંઈ ‘બ્રિટીશ’ થોડા રહેવાના હતા ? 

જોકે આમાં જે ઓલ-ઈન્ડિયા વરાયટી છે તે સાંભળવાની મઝા પડે છે.આપણે ગુજરાતીઓ ‘સ્નેક્સ’ને ‘સ્નેઈક્સ’  કહીએ, ‘હૉલ’ને ‘હોલ’ (કાણું) કહીએ અને ગમે ત્યાં, ગમે તે વાક્યના છેડે ‘હોં’ ઉમેરી જ દઈએ : “થેન્ક્યુ હોં ?” ‘સોરી હોં ?’ એમાં કોઈ આપણું ધ્યાન ખેંચે કે આવું ના બોલાય તો પટ દઈને કબૂલ પણ કરી લઈએ કે, ‘લો, ધેટ તો આઈ ડિડન્ટ નો, હોં !’

ગુજરાતીઓના ગુજરાતી ઉચ્ચારોમાં પણ હ, ઝ, ધ, ઘ, ઢ વગેરે અક્ષરો ભાર દઈને બોલવામાં આવે છે એટલે આપણા દેશી ગુજ્જુભાઈઓનાં ઇંગ્લીશો એકદમ ‘ઘૂઘવાટાભર્યા’  સંભળાતા હોય ! એમાંય ‘વ્હેન?.... વ્હેર|.. વ્હાય?...’ એવા શબ્દો જ્યારે આઘાત અને આશ્ચર્ય સાથે બોલાય ત્યારે ભલભલા ધોળિયાનાં છાતીનાં પાટિયાં આપણા ઘૂઘવાટાની અસરથી ધ્રુજી જતાં અમે નરી આંખે જોયાં છે.

યુવાનીના ટાઈમમાં અમે ઇંગ્લીશ ફિલ્મો જોઈને ‘ફોરેનર’ ટાઈપનું  ઇંગ્લીશ બોલવાના ચાળે ચડી ગયેલા. (તે વખતે ય સાચું ગ્રામર તો આવડતું જ નહોતું.) એવા સમયે અમારો ભેટો એક એવા ધોળિયા સાથે થઈ ગયો જે મારો બેટો અહીં કંઈ રિસર્ચ કરતાં કરતાં ગુજરાતી વાંચતા અને ‘બોલતાં’ પણ શીખી ગયેલો. એની સામે હું મારા ફોરેન પિક્ચરના એક્સેન્ટ સાથે ઇંગ્લીશમાં ઠોકમઠોક કરવા લાગ્યો. દસેક મિનિટ પછી એણે મને કહ્યું “યુ હેવ અ વેરી ફની એક્સેન્ટ ! વ્હેર ડિડ યુ પિક ઈટ અપ ફ્રોમ ?”

એ ધોળિયાએ મને કહ્યું કે તમે ઈન્ડિયનો ખાસ્સું સ્પષ્ટ અંગ્રેજી બોલો છો. સાંભળવામાં કે સમજવામાં કોઈ ખાસ તકલીફ પડતી નથી. પણ મિત્ર, તમારું ઇંગ્લીશ તો સાવ વિચિત્ર સંભળાય છે.

તે દિવસથી આપણે કાન પકડ્યા કે  ઇમ્પોર્ટેડ ઉચ્ચારો નહીં કરવાના ! ‘નમકહલાલ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન હરિયાણવી એક્સેન્ટમાં કહે છે એમ ‘ઇંગ્લીસ ઇજ એ વેરી ફન્ની લેંગવેજ... ઈસમેં પીયુટી ‘પુટ’ હોતા હૈ મગર બીયુટી ‘બુટ’ નહીં હોતા.. ટીઓ ‘ટુ’ હોતા હૈ મગર જીઓ ‘ગૂ’ નહીં હોતા... ’

એમ તો આપણા યુ.પી.નું ઇંગ્લીશ પણ ‘આલરાઈટ’ છે. એ લોકો ‘બોલ’ને ‘બાલા’ અને ‘વોલ’ને ‘વાલ’ કહે છે. “હિટ દિ બાલ અગેન્સ્ટ દિ વાલ !” પોપ મ્યુઝિક ઉહાં પે  ‘પાપ મ્યુજિક ’ હુઈ જાત હૈ. હિન્દીમાં તો એમણે ભલભલા અંગ્રેજી શબ્દોનું બે લાફા મારીને હિન્દીકરણ કરી નાંખ્યું છે. ‘ટોપ’ને ‘ટાપ’ કહેવાનું, ‘ઓરેન્જ’ને ‘આરેન્જ’, ‘લોરેન્સ’ને ‘લારેન્સ’ અને બોસ, બ્રિટનને તો બેધકડ ‘બરતાનિયા’ જ કહે છે !

ભોજપુરી ઇંગ્લીસવા તો ભૈયા ‘લલ્લન-ટાપ’ હૈ. એમની બોલીની મઝા એ છે કે ભલભલા અંગ્રેજી શબ્દોમાં ભોજપુરીનું વ્યાકરણ લાગુ પડી જાય છે. ‘હમ બડે કનકૂજિયા ગયે ભૈયા !’ અથવા “આપ તો જબ દેખો તબ ફનિયાતે રહત હો !” (કનફૂજિયા ગયે = કન્ફ્યુઝ થઈ ગયા) (ફનિયાને રહતે = ફોન કરતા રહેતા)

જોકે સૌથી વધુ સાંભળવો ગમે એવો દેશી એક્સેન્ટ સાઉથ ઇન્ડિયનો છે. એમને માત્ર ‘મિનિમમ’નો સ્પેલિંગ પૂછો...

જવાબ મળશે : “યેમ યાઈ યેન યાઈ યમ યુ યમ...”

***

E-mail : mannu41955@gmail.com

- મન્નુ શેખચલ્લી

Comments