બાંગ્લાદેશીઓને એક જ સવાલ !


પ્રિય બાંગ્લાદેશીઓ,

આજે તમને એક લાંબો સવાલ પૂછવો છે. શક્ય હોય તો પુરી ઈમાનદારીથી જવાબ આપજો…

***

ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ નામની સંસ્થા કહે છે કે ભ્રષ્ટાચારને મામલે ઈન્ડિયા બાંગ્લાદેશ કરતાં ક્યાંય આગળ છે.

મતલબ કે તમારા દેશમાં ભ્રષ્ટાચાર ઓછો છે.

***

હ્યુમન રાઈટ્સનો ઈન્ટરનેશનલ સરવે કહે છે કે માનવ અધિકારના મામલે ઈન્ડિયાનો રેકોર્ડ બાંગ્લાદેશ કરતાં ખરાબ છે.

મતલબ કે બાંગ્લાદેશમાં તમારા અધિકારોનું રક્ષણ પણ વધારે સારું થાય છે.

***

બળાત્કારોના મામલે તો વાત જ ના પૂછશો. બાંગ્લાદેશ કરતાં ઈન્ડિયામાં તેની ટકાવારી વધારે છે.

મતલબ કે બાંગ્લાદેશમાં મહિલાઓ વધારે સુરક્ષિત છે.

***

હાલમાં જ એક ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ નામની સંસ્થાએ રિપોર્ટ જારી કર્યો છે. એ મુજબ ‘જેન્ડર ઇક્વાલિટી’ યાને કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ સામેના ભેદભાવમાં તો ભારત 150માં નંબરે છે અને બાંગ્લાદેશ 50મા ક્રમે છે !

મતલબ કે બાંગ્લાદેશમાં મહિલાઓ સામે ભેદભાવ પણ ઓછો છે…

***

છેલ્લા બે વરસથી દુનિયાભરના આર્થિક એક્સ્પર્ટો મંડ્યા છે કે ભારતમાં મંદી છે… આર્થિક સંકટ છે…

બાંગ્લાદેશ વિશે કોઈ એક્સ્પર્ટને ખાસ ચિંતા નથી થતી ! મતલબ કે હવે તો ‘ભવિષ્ય’ પણ ઇન્ડિયા કરતાં બાંગ્લાદેશનું વધારે ઉજ્જવળ છે…

***

અરે, ‘વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેક્સ’ પણ કહે છે કે ભારતીયો કરતાં બાંગ્લાદેશીઓ વધારે સુખી (હેપ્પી) છે !

છતાં અમને સમજાતું નથી, મારા વ્હાલા બાંગ્લાદેશીઓ, તમે ઈન્ડિયામાં શું લાડવા લેવા માટે હજારોની સંખ્યામાં ઘૂસી આવો છો ?

- કમ સે કમ વર્લ્ડના ‘એક્સપર્ટો’ની તો ઈજ્જત રાખો ?

***

- મન્નુ શેખચલ્લી

Comments