આજે ૩૧ ડિસેમ્બર છે. શું તમે એકદમ ‘પ્રોપરલી’ થર્ટી-ફર્સ્ટ ઉજવવાના છો ?
તો સંભાળજો, કારણ કે તમે જેને ‘પ્રોપર’ સમજો છો તેને સરકાર ‘ગેરકાયદેસર’ સમજે છે. આવી સ્થિતિમાં અમુક સાવચેતીઓ રાખવી જરૂરી છે...
***
સંભાળજો !!!
જો તમે ‘બેઠક’ પહેલાં શિંગ-ભૂજિયાનું પેકેટ ખરીદવા ગયા હો તો ત્યાંથી જ સાવધ રહેજો ! કારણ કે પોલીસ ત્યાંથી તમારો પીછો કરતી કરતી તમારી ‘બેઠક’ સુધી પહોંચી શકે છે !
***
સંભાળજો !!!
છ-સાત સોડા-બોતલ ખરીદતી વખતે દુકાનવાળાને ‘મિસ-ગાઈડ’ કરવાની કોશિશ ના કરતા કે..
“આજે તો અમારા આખા ફેમિલીને સામટો પેટમાં ગેસ ચડ્યો છે !”
- શક્ય છે કે સોડાની દુકાનવાળો જ ‘બાતમીદાર’ હોય !
***
સંભાળજો !!!
ચાલુ બેઠકે કોઈ શાયરીઓ ફટકારવા માંડે તો એને તરત જ ચૂપ કરજો.
કારણ કે બે પેગ પછી બધા ગુજરાતીઓ બહુ મોટા મોટા અવાજે “વાહ વાહ... વાહ.. વાહ” કરવા માંડે છે ! આવા અવાજો સાંભળીને પોલીસ તમારી પાસે પહોંચી શકે છે !
***
સંભાળજો !!!
‘બેઠક’ પછી જો બહાર નીકળવાના હો તો..
ગુલાંટ ખાધા વિના દસ ‘ઉઠક-બેઠક’ કરી શકતા હો, તો જ બહાર નીકળવું !
***
સંભાળજો !!!
ખિસ્સામાં ‘માઉથ-ફ્રેશનર’ રાખવું. પોલીસ આવતી દેખાય કે તરત જ મોંમાં ‘સ્પ્રે’ મારી લેવો. કારણકે પોલીસોને મોં સુંઘવાની આદત છે.
***
સંભાળજો !!!
આજકાલ પોલીસો ‘બ્રેથ-એનલાઈઝર’ મશીન વાપરે છે. તેથી પોલીસો માટે પણ એક સૂચના છે...
પોલીસ સ્ટેશનેથી નીકળતાં પહેલાં એકાદ પેગ મારીને એ મશીન ચેક કરી લેવું ! નહિતર ખબર શી રીતે પડશે કે ‘વર્કિંગ કંડીશન’માં છે કે નહીં ?
***
સંભાળજો !!!
અને હા, મોબાઈલની બેટરી ફૂલ-ચાર્જ કરીને જ નીકળજો. કારણ કે જો પકડાઈ ગયા તો છેક સવાર સુધી ‘લોક-અપ’માં ટાઈમપાસ શી રીતે કરશો ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment