એક ન્યુઝ... એક ભજીયું...


ન્યુઝ :

રાહુલ ગાંધી કહે છે કે NRC અને NPR બન્ને ગરીબો ઉપર 'ટેક્સ' છે.

ભજીયું :

એ બધું છોડો, તમે ગરીબોને પેલા 72000 આપવાના હતા એનું શું થયું ?

***

ન્યુઝ :

રૂપાણી સાહેબ કહે છે કે હું અહીં 20-20 રમવા આવ્યો છું.

ભજીયું :

રૂપાણી સાહેબ તમે ટેસ્ટ મેચ રમો ને ! એમાં બબ્બે વાર દાવ લેવા મળે છે.

***

ન્યુઝ :

ગુજરાતના 450થી વધુ ex ધારાસભ્યો ST મુસાફરી મફત મળે તે માટે ધરણાં કરવા ગાંધીનગર આવશે.

ભજીયું :

સાહેબો, તમે લોકો ગાંધીનગર આવશો શેમાં ? તમારી કારમાં જ ને !

***

ન્યુઝ :

શહેરી ભારતીયો બેકારી, ભ્રષ્ટાચાર વગેરે અંગે સૌથી વધુ ચિંતિત છે – એક સરવે.

ભજીયું :

બોસ, તમારે શહેરી યુવાનોનો સરવે કરવા જેવો હતો. એમને સૌથી વધુ ચિંતાઓ ગર્લ-ફ્રેન્ડની હોય છે !

***

ન્યુઝ :

ભાવનગરના મેયર કહે છે કે અમારે ત્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે.

ભજીયું :

અલ્યાઓ… દીવ-બીવ જવાનું છોડો ! થર્ટી-ફર્સ્ટ માટે બધા ભાવનગર જ પહોંચી જઈએ !

***

ન્યુઝ :

મુશર્રફે દેશદ્રોહના ચૂકાદા સામે પાકિસ્તાનની હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે.

ભજીયું :

સંભાળજો મુશર્રફજી, તમને પાકિસ્તાનનું રાષ્ટ્રગીત તો આખું મોંઢે છે ને ?

***

ન્યુઝ :

તીડ ભગાડવા માટે રૂપાણીજી – વાઘાણીજી થાળીઓ વગાડી રહ્યા છે.

ભજીયું :

આ બાજુ ઘૂસણખોરોને ભગાડવા માટે મોદી-શાહ CAA વગાડી રહ્યા છે. અસર સરખી જ છે. ઘોંઘાટ વધે છે પણ તીડ જતાં નથી.

***

- મન્નુ શેખચલ્લી

 

Comments