થરથર ધ્રુજાવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. સવાર સવારના બાથરૂમમાં જઈને નહાવાનું છે એ વાતથી તો અમુક લોકોને વધારે ટાઢ ચડી જાય છે !
આવા સંજોગોમાં અમુક ‘સલામત સ્નાન’ની પધ્ધતિઓની અહીં યાદી મુકી છે. પોતાને લાગુ પડતી પધ્ધતિ અપનાવવા વિનંતી છે.
***
ચાંચ-સ્નાન
પક્ષી જે રીતે પાણીમાં ચાંચ બોળે એ રીતે આપણે માત્ર આંગળીઓ બોળવાની છે. એ પછી મનમાં ભગવાનનું નામ લઈને પાણીના છાંટા શરીર ઉપર નાંખવાના છે. સંપૂર્ણ શ્રધ્ધાથી આ વિધિ કરવામાં આવે તો તેને પણ ‘સ્નાન’ જ ગણવામાં આવે છે.
***
નળ-નમસ્કાર સ્નાન
સવારે ઊઠી, બ્રશ વગેરે કરી, ગરમ વસ્ત્રો શરીર ઉપર રહેવા દઈને, માત્ર એક ટુવાલ ગળે વીંટાળ્યા પછી નળ પાસે જવાનું છે. પછી બે કે ત્રણ ફૂટ દૂરથી નળને નમસ્કાર કરવાના છે. કેટલાક હિંમતવાન માનવીઓ નળને નમસ્કાર કરતી વખતે હાથ વડે સ્પર્શ કરવાની હિંમત પણ કરી શકે છે.
***
હસ્ત-મુખ-કેશ સ્નાન
ખોબામાં ખપ પુરતું પાણી લેવાનું છે અને ચહેરા ઉપર દેખાવ પુરતું લગાડવાનું છે. સાથે સાથે ખોપડીને ના અડે તે રીતે વાળ ભીના કરીને ઓળી લેવાના છે. જેથી બીજા લોકોને એમ લાગે કે ‘ભઈ આજે તો નાહ્યો લાગે છે !’
***
ઉહુહુ-ઉહુહુ સ્નાન
મમ્મી મગજ ના ખાય એ માટેના સ્નાનની આ રીતે છે. બાથરૂમમાં જઈ અંદરથી કડી વાસી, ડબલા વડે પાણી ઢોળતાં ઢોળતાં મોં વડે ઉહુહુ… ઉહુહુ અવાજો કર્યા કરવા. ડોલ ખલાસ થઈ જાય પછી સાડા ત્રણ મિનિટ બાદ વાળ સ્હેજ ભીના કરીને બહાર આવી જવું.
***
પરફ્યુમ સ્નાન
આ હોસ્ટેલમાં રહેતા છોકરાઓ માટે છે. રીત સિમ્પલ છે. પાણીના બદલે પરફ્યુમ છાંટવું. એ પણ પહેરેલાં કપડાં ઉપર. (બનિયાન, મોજાં અને જાંઘિયા સહતિ.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment