સાન્તાક્લોઝની સેલિબ્રિટી ગિફ્ટો ...


ગઈકાલે ક્રિસમસ હતી. ખ્રિસ્તી માયથોલોજી મુજબ ક્રિસમસની રાત્રે સફેદ દાઢીવાળા સાન્તાક્લોઝ લાલ ડગલો પહેરીને આવે છે અને ચૂપકે ચૂપકે સૌને કોઈ ભેટ આપી જાય છે.

ધારો કે સાન્તાક્લોઝ આપણી સેલિબ્રિટીઝને ગિફ્ટો આપે તો કેવી આપવી જોઈએ ?

***

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટને એક જનરલ નોલેજનું જાડું પુસ્તક ભેટ આપવું જોઈએ જેથી તે Santaને કમ સે કમ પેલી જોક્સવાળા ‘સંતા’ ના સમજી બેસે !

***

રાહુલ ગાંધી

રાહુલબાબાને ખાસ કોઈ ગિફ્ટની જરૂર જ ક્યાં છે ? એ પોતે જ કેટલા ‘ગિફ્ટેડ’ છે ! છતાં, જો તેમને ભારતના બંધારણની એકાદ નકલ ભેટમાં મળી જાય તો… (કોંગ્રેસની ઈજજત બચી જાય.)

***

મનમોહનસિંહ

એમને એક માઉથ ફ્રેશનરની તાતી જરૂર છે. બિચારા 2004થી 2014 સુધી કોઈ મજબૂરીને કારણે નથી બોલ્યા. આટ-આટલાં વરસ જો મોં ‘બંધ’ રહે તો સારું ના કહેવાય. (બંધિયાર મકાન પણ ગંધાવા માંડે છે.) માટે, ભલે બોલો કે ના બોલો… રાખો ને આ માઉથ ફ્રેશનર !

***

મહેબૂબાજી, ઓમારજી

એમને કોઈ ગરમ દેશમાં જઈને છૂટથી હરી ફરી શકાય તેવા વેકેશન પેકેજની જરૂર છે. બિચારાઓ કાશ્મીરમાં ‘નજરકેદ’થી કંટાળી ગયા છે…

***

મમતા બેનરજી

એમને વિક્સ કી ગોલી, સ્ટ્રેપસીલ્સ, ખાદિરાદી વટી… વગેરે છોલાઈ ગયેલાં ગળાંને આરામ આપતી ગોળીઓનો મોટો સ્ટોક ભેટ આપવાની જરૂર છે.

***

અમિત શાહ

એમને માથામાં બરફ રાખવાની કોથળી આપો ! યાર, શાંતિ રાખો ને ? લોકો શાંતિથી ઊંઘતા હતા. પણ તમે CAB, CAA, NRC, NPR…. કંઈને કંઈ ગોદા મારીને બધે ખળભળાટ મચાવ્યા કરો છો ! બરફની કોથળી ના ફાવતી હોય તો ‘શાંતિપાઠ’ની ચોપડીઓ આપીએ ?

***

કોમનમેન

બસ, પાંચ-પંદર કિલો ડુંગળી મળી જાય તો…

***

- મન્નુ શેખચલ્લી

Comments