કવિતા કરવી કંઈ સહેલી છે? (હાસ્ય કવિતા)


ક્વાર્ટરિયું ખાલી

કરવું પડે,

પાંચસોની ઉધારી

કરવી પડે,

મન્ચિંગનું થિમ

મમળાવતાં મમળાવતાં,

શબ્દોમાં સોડા રેડી

મગજમાં પરપોટા

થવા દેવા પડે...

રાતને ‘માથે’ લઈ

સવારને ય

‘પડવા’ દેવી પડે…

આટ-આટલું કરીએ

ત્યારે કંઈક

કવિતા જેવું બને છે.

બાકી, તમને શું લાગ્યું,

કવિતા કરવી

કંઈ સહેલી છે ?

***

ગુજરાતી ડિક્શનેરીમાંથી

અઘરા શબ્દો ઉખેડી,

થોડું ઉર્દૂ

એમાં ઉમેરી,

ઇંગ્લીશમાં તળી

કાઠીયાવાડીમાં ઝબોળી

અહીંથી તહીં

તોડી-મરોડી-જોડી

કંઈક સમજાય એવું

છતાં જરાય

ના સમજાય એવું

વઘારીએ, ઝમકોરીએ

ખંખેરીએ, જરીક

જરીક, કરચલીઓ રાખી

જરીક, ઈસ્ત્રી કરીએ

ને ગડી ખોલીએ…

આટ-આટલું કરીએ

ત્યારે કંઈક

કવિતા જેવું બને છે.

બાકી, તમને શું લાગ્યું

કવિતા કરવી

કંઈ સહેલી છે ?

***

કાફિયા રદીફ

જાળવવા પડે ?

ગઝલના માપને

નાણવું પડે ?

શબ્દનું વજન

અને અર્થની ઉડાન

ઊડવા છતાં

ભાવવિશ્વની ભીતર

ઝંપલાવવું પડે ?

બોલો,

આવું બધું

અઘરું અઘરું

સિનિયર કવિઓનું

સાંભળ્યા પછી

એમની જ કોઈ

‘અછાંદસ’ કૃતિને

‘દાદ’ આપવી પડે !

આટ-આટલું કરીએ

ત્યારે કંઈક

મુશાયરામાં ‘વારો’ મળે છે.

બાકી, તમને શું લાગ્યું

કવિતા કરવી

કંઈ સહેલી છે ?

***

સિગારેટના ખોખાં પાછળ

‘મરીજ’ને, અને

બસની ટિકીટ પાછળ

‘ર.પા.’ને શોધ્યા પછી

છેવટે તો

મોબાઈલમાં ટાઈપ કરી

ફેસબુકમાં મુકી મુકી

‘અંગૂઠો’ અથવા ‘હાર્ટ’ની

રાહ જોવી પડે છે.

આટ-આટલું કરીએ

ત્યારે કોઈક

GLFમાં ઓળખે છે !

બાકી, તમને શું લાગ્યું

કવિતા કરવી

કંઈ સહેલી છે ?

*** 

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment