સ્ટાર સંતાનોનાં તૈયાર ભાણાં !


2015માં એક અભિનેત્રીની પહેલી હિન્દી ફિલ્મ આવી હતી. આવતાંની સાથે જ એને એ વરસની શ્રેષ્ઠ અભિનેત્રીનો ‘ફિલ્મફેર’ એવોર્ડ અને એ જ વરસની શ્રેષ્ઠ જોડીનો ‘સ્ક્રીન’ એવોર્ડ મળી ગયો !

વાહ, તમને થશે કે શું ટેલેન્ટેડ એકટ્રેસ છે નહિ ? કોણ છે એ પ્રતિભાશાળી છોકરી ? વેલ, એ પહેલાં જડબાંવાળી, જાડા વિચિત્ર હોઠ અને લગભગ છ ફૂટની ઊંચાઈવાળી હિરોઈનનું નામ છે... અથિયા શેટ્ટી !

તમે કહેશો કે યાર, ક્યાં સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી વાત કરી ? અથિયા ?? એ વળી કોણ ? 

વેલ. જવાબ છે, આ મહા-પ્રતિભાશાળી અભિનેત્રી હિન્દી ફિલ્મોમાં છેલ્લા 30 વરસથી ટકી રહેલા અભિનેતા સુનીલ શેટ્ટીની દિકરી છે ! એન્ટ્રી મારતાંની સાથે જ તેને બબ્બે એવોર્ડ મળી જવાનું કારણ પણ એ જ છે !

આવાં તો કંઈ કેટલાંય ભૂલકાં હિન્દી ફિલ્મોમાં હાલ્યાં જ આવે છે. આ અથિયાનીછેલ્લા ચાર વરસમાં ગણીને ચાર ફિલ્મો આવી. એની ‘એક્ટિંગ ટેલેન્ટ’ની પેલાં એવોર્ડ આપનારાઓ સિવાય કોઈ પ્રેક્ષકે નોંધ સુદ્ધાં નથી લીધી, છતાં એને મોટા બેનરની ફિલ્મો મળતી રહેશે.

જતે દહાડે, (એટલે કે દસેક વરસે) થોડી એક્ટિંગ પણ શીખી લશે. દરમ્યાનમાં તેની એકાદ બિગ બેનરની, ટોપ હિરો સાથેની, અચ્છા ડિરેક્ટરે બનાવેલી કોઈ મસાલા-મુવી બોક્સ-ઓફીસ ઉપર સુપરહિટ થઈ જશે એટલે બેબીની ગણત્રી ટોપ ટેન હિરોઈનોમાં થવા લાગશે !

આવી જ એક બીજી સુપર ટેલેન્ટ છે શ્રીદેવી-બોનીકપૂરની સુપુ્ત્રી જાહન્વી કપૂર. ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં સ્ટાર-બચ્ચાંઓનો લાડકો કરન અંકલ (કરન જોહર) આવાં બબુડીયાંઓને લોન્ચ કરવા માટેની ખાનગી યુનિવર્સિટી છે.

મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની અતિશય ઘટિયા નકલ અને જ્યાં ને ત્યાં ચાંદીના વરખ ચોંટાડેલી વાસી કાજુકતરી જેવી હિન્દી ‘ધડક’માં બેબલીની એન્ટ્રી થઈ ગઈ. એને પણ શ્રેષ્ઠ નવોદિત અભિનેત્રીનો ઝી સિને એવોર્ડ મળી ગયો !

બીજી તરફ કંગના રાણાવત, સ્વરા ભાસકર, રીચાચઢ્ઢા, ભુમિ પેંડનેકર, રાધિકા આપ્ટે, તાપસી પન્નુ વગેરે ખરેખર ટેલેન્ટેડ અભિનેત્રીઓને અહીં એક સારો રોલ મેળવતાં, નામ કમાતાં કે નાની સરખી પહેચાન બનાવતાં સાત-સાત વરસો લાગી જાય છે. (એમને શ્રેષ્ઠ નવોદિત અભિનેત્રીના એવોર્ડ તો કદી મળતા જ નથી.)

સૈફ અલી ખાનની પહેલી પત્નીની જરા ખેંચાઈ ગયેલી ઝેરોક્સ કોપી જેવી દિકરી સારા અલી ખાન પણ આવતાંની સાથે શ્રેષ્ઠ નવોદિત બની ચૂકી છે. (ફિલ્મફેર અને IIFA) એની પાછળ પાછળ ચંકી પાંડેની સુપુત્રી અનન્યા પાંડે આવી ચૂકી છે.

આ તમામ બેબલીઓની ‘સફળતા’નું રહસ્ય કોમન છે. કાં તો એમનો હીરો ઓલરેડી મોટો સ્ટાર હોય, કાં તો ફિલ્મનું બેનર મોટું હોય (જેથી પબ્લિસીટી બજેટ પણ મોટું હોય) અથવા તેની ફિલ્મનો ડિરેક્ટર ઓલરેડી ફેમસ અને સકસેસફૂલ હોય. ટુંકમા, આવી રૂપાળી બંદૂક (અથવા ફટાકડી) કોઈ મોટા ખભાઓ ઉપર જ ફૂટે છે !

બીજી તરફ કંગના રાણાવત જેવી ડઝનબંધ ટેલેન્ટેડ અભિનેત્રીઓને પોતાની સફળતાનો ભાર પોતાના જ ખભે ઉપાડવાનો હોય છે.

તાજેતરમાં બે સફળ અને સિનિયર બની ગયેલા સ્ટાર પુત્રો, સૈફ અલી ખાન અને અજય દેવગણના એક જોઈન્ટ ઈન્ટરવ્યુમાં અજય બોલ્યો કે “અમે અમારી પહેલી ફિલ્મમાં નાનાં બચ્ચાંઓ કરતાં ય ખરાબ એક્ટિંગ કરતાહતા. ‘ઓમકારા’માં અમે થોડા સુધર્યા અને હવે અમે ‘મોટા’ થઈ ગયા છીએ !”

સવાલ એ છે કે પ્રેક્ષકો આવાં બચોળિયાંને શા માટે સહન કરી લે છે ?

તો, તેનો જવાબ સહેલો છે. મોટા બાપના દિકરા તરીકે ભારતની પ્રજાએ રાહુલ ગાંધીને કેટલા વરસ લગી માથે ચડાવીને રાખ્યો ?

- જરા વિચારજો. યથા પ્રજા, તથા રાજા ! પ્રેક્ષકોને પણ એવા જ સ્ટાર્સ મળે છે જેવી પ્રેક્ષકોની માનસિકતા હોય.

***

- મન્નુ શેખચલ્લી

Comments