શિયાળો શરૂ થઈ ગયો છે. ઠંડી અચાનક વધી ગઈ છે પરંતુ રાજકારણમાં અચાનક ગરમી આવી ગઈ છે. આ વિરોધાભાસને રમૂજમાં ઝડપીને રજુ કરીએ છીએ, થોડાં શબ્દ-કાર્ટૂનો…
***
આસામમાં…
રાતના સમયે એક કીટલી પાસે આઠ-દસ યુવાનો ગરમ કાવો પીતા બેઠા છે. સખત ઠંડી પડી રહી છે. એવામાં એક યુવાન કહે છે :
“યાર… બહુ ઠંડી લાગે છે, ચાલો ને, એકાદ બસ સળગાવી દઈએ !”
***
પશ્ચિમ બંગાળમાં…
સવાર સવારના ધુમ્મસ જામ્યું છે. એક નેતાજી પોતાના ઘરમાં માથે બુઢિયા ટોપી, ગળામાં મફલર, ખભે શાલ વગેરે ઓઢીને સોફામાં ટુંટિયું વળીને બેઠા છે.
પત્ની હાથમાં ચાના કપ-રકાબી લઈને આવતા કહે છે :
“ક્યારના ઘરમાં બેસીને ઠંડીમાં ઉહુહુ ઉહુહુ… કરી રહ્યા છો એના કરતાં બહાર જઈને નાગરિકતા બિલ વિરુદ્ધ બે ચાર ભાષણો ઠોકી આવો ને… આપોઆપ શરીરમાં ગરમી આવી જશે !”
***
કાશ્મીરમાં…
ઘૂસણખોરી કરીને ફસાઈ ગયેલા બે આતંકવાદીઓ વરસતા ઝીણા બરફમાં ઝાડ નીચે ઠૂંઠવાઈ રહ્યા છે. એક આતંકવાદી ઓઢેલા ધાબળામાંથી જરીક મોં બહાર કાઢીને બળાપો કાઢી રહ્યો છે :
“મૈં ને હમારે કમાન્ડર જનાબ કો યહાં આને સે પહેલે હી બોલા થા, કિ દો બ્લેન્કેટ ઔર દે દિજિયે… ઈન્ડિયા કે મૌસમ વિભાગ કે અનુમાન પે ભરોસા મત કીજીયે !
અબ સાલા, ક્યા કરેં ? યહાં સે વાપસ પાકિસ્તાન મેં એકસ્ટ્રા કંબલ લેને જાયે, યા યહીં જંગલ મેં બોમ્બ ફોડકર કુછ ગરમાહટ પા લેં ?”
***
દિલ્હીમાં…
પ્રદૂષણ દૂર કરવાની ‘એકી-બેકી’વાળી સ્કીમ ક્યારની પતી ગઈ છે. શહેરમાં તોફાનોને કારણે કંઈ કેટલા રસ્તા બંધ છે. જે ચાલુ છે ત્યાં ટ્રાફિકના ચક્કા-જામ છે. આવી હાલમાં એક કારમાં બેઠેલો ગુજરાતી બબડી રહ્યો છે :
“યાઆઆર.. મારી બેકી તો ક્યાંય ઉપર ચડી ગઈ છે ! અને એકી એટલી બધી લાગી છે કે વાયુ પ્રદૂષણ બચાવવા જતાં જલ-પ્રદૂષણ થઈ જશે !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment