... એનું નામ શિયાળો !


પોતપોતાની રાજકીય ખિચડી પકવવા માટે જે તાપણાં સળગ્યાં છે. એ સ્હેજ ઠંડા પડે ત્યારે આપણને યાદ આવશે શિયાળો !

ભઈ, આ શિયાળો કોને કહેવાય ? તો સાંભળો…

***

વગર ગુસ્સાએ દાંત કકડાવે..

એનું નામ શિયાળો !

***

વગર વાંકે ‘બુઢિયા’ બનાવે…

એનું નામ શિયાળો !

***

પત્ની કરતાં રજાઈ વ્હાલી લાગે..

એનું નામ શિયાળો !

***

સવાર કરતાં બપોર વ્હાલી લાગે…

એનું નામ શિયાળો !

***

ગરમ પાણીથી નાહ્યા છતાં ધ્રુજારી ચડે…

એનું નામ શિયાળો !

***

વજન ઘટાડવાની ‘મોર્નિંગ વોક’ પછી જ કકડીને ભૂખ લાગે..

એનું નામ શિયાળો !

***

બસની ભીડ, ટ્રેનના ધક્કા, ગરદીની ભીંસ ‘હુંફાળી’ લાગે..

એનું નામ શિયાળો !

***

માત્ર લુખ્ખાઓ નહિ, અંબાણીઓ અને ટાટાઓ પણ ખાલી હથેળીઓ ઘસતા બેઠા હોય..

એનું નામ શિયાળો !

***

પાતળાં શરીર ભરાવદાર લાગે અને ભરાવદાર શરીર ‘ભંભોટીયાં’ લાગે…

એનું નામ શિયાળો !

***

ભરબપોરે, જમી લીધા પછી તડકો ‘ખાવાનું’ મન થાય…

એનું નામ શિયાળો !

***

રોજ રાત પડે ને, ઠંડી ઉડાડવા માટે ‘પીવાનું’ મન થાય..

એનું નામ શિયાળો !

***

અને સવારે, નિરાંતે ઊંઘતાં કૂતરાંઓને જોઈને, નાઈટ ડ્યૂટીમાંથી પાછા ફરનારાને પણ ઈર્ષ્યા થાય…

એનું નામ શિયાળો !

***

- મન્નુ શેખચલ્લી

Comments