સાંઈઠના દાયકાની કોઈપણ હિરોઈન લઈ લો, એમાંથી એક પણ હિરોઈને પોતાના માથામાં નાના નાળિયેરથી માંડીને મોટાં તડબૂચ જેવા અંબોડા ના બંધાવ્યા હોય તો આપણે કોઈપણ શરત હારી જવી !
આજની ફિલ્મોમાં તો હિરોઈનના મેકપમેન, ફેશન-સ્ટાઇલિસ્ટ અને હેર-સ્ટાઇલિસ્ટ એમ ત્રણ ત્રણ જણાનાં નામો લખેલાં આવે છે પણ એ જમાનામાં બિચારી ‘અંબોડા કન્સ્ટ્રક્શન’નું કામ કરતી બ્હેનોનાં નામ સુધ્ધાં વાંચવા મળતાં નહોતાં.
સાંઈઠના દાયકાની કોઈપણ હિરોઈન અંબોડાનો ભાર ઉંચકવામાંથી બચી શકતી નહોતી. એમાંય બિચારી શર્મિલા ટાગોર તો હિન્દી ફિલ્મોમાં આવી ત્યારે સૌથી ઠીંગણી હિરોઈન હતી. ‘એન ઈવનિંગ ઇન પેરિસ’માં તો એનો ડબલ રોલ હતો. જેમાં બીજી ‘ખરાબ’ ગણાતી શર્મિલા તો અલ્ટ્રા-મોર્ડન ડાન્સર હતી. તે ટુંકા વાળ રાખતી હતી છતાં બિચારીના માથામાં સોનેરી વાળની વિગ પહેરાવતાં પહેલાં એકાદ સક્કરટેટી સાઈઝનો દડો તો ખોસવો જ પડતો હતો !
એમ તો રાખી ’૭૦ના દાયકામાં આવી. એ સમયે ધીમે ધીમે અંબોડાનો રિવાજ ઘટી રહ્યો હતો છતાં ઓછી ઊંચાઈને કારણે રાખીએ માથે બેડું ઉપાડ્યું હોય એ રીતે અંબોડા ઉપાડવા પડતા હતા. એ તો ઠીક, આવડા મોટા અંબોડા છતાં રાખીને અમિતાભ સામે ઊભી રાખવા માટે પગ નીચે સ્ટુલ મુકાવવું પડતું હતું !
હા, જયા ભાદુરીએ એ બાબતમાં ‘ક્રાંતિ’ કરી એમ કહી શકાય. એકાદ બે ફિલ્મોના અપવાદ સિવાય તેણે તો વાળ જ છૂટ્ટા રાખવા માંડ્યા, પછી શું થાય ? (“હા ભઈ, હું છું જ બટકી ! બોલો,શું કરી લેશો ?” આવા એટિટ્યૂડનો ફાયદો આજે સાડા ચાર ફૂટની, કુપોષણનો ભોગ બની હોય એવી, આલિયા ભટ્ટને થઈ રહ્યો છે. સમજ્યા ?)
’૬૦ના દાયકાની આશા પારેખ, માલાસિંહા, વૈજયંતી માલા, વહીદારહેમાન, સાયરાબાનો, શશીકલા, સાધના, રાજશ્રી, કુમકુમ... કોઈનું પણ નામ લઈને એમની મનોમન કલ્પના કરી જુઓ... સૌથી પહેલાં તો એમના ભવ્ય અંબોડા જ દેખાશે ! હા, નુતનની હાઈટ ઊંચી હતી એટલે તે આમાંથી બચી ગઈ. એમ તો સિમી ગરેવાલ પણ લગભગ પોણા છ ફુટની હતી. છતાં અમુક ફિલ્મોમાં બિચારીએ લીંબુ સાઈઝની ડટ્ટી તો ખોસવી જ પડી હતી.
નુતનની નાની બહેન તનુજા બને ત્યાંસુધી સફરજનથી મોટી સાઈઝના ડટ્ટા નહોતા ખોસવા દેતી છતાં રાજશ્રી પ્રોડક્શનવાળા તારાચંદ બડજાત્યાએ તનુજાને ‘જીને કી રાહ’ માટે માથામાં તડબૂચ જેવડા અંબોડા બંધાવીને જ ‘હાશ’ કરી હશે !
’૭૦ના દાયકામાં આ અંબોડાઓનાં શબ્દશઃ છોતરાં ઉડાડવાનું કામ ઝિનત અમાને કર્યું ! ‘હરે રામા હરે ક્રિશ્ના’ ફિલ્મનાં દરેક સીનમાં ખુલ્લા વાળ રાખ્યાં ! એટલું જ નહીં, જ્યારે માથામાં મોટું ફૂલ ખોસ્યું, એ દૃશ્યમાં તો એણે ચિલમ પીધી !
ઝિનત અમાન પછી પરવીન બાબીએ અંબોડા સામે બંડ પોકાર્યું એમ કહી શકાય. બાકી એ દાયકાની નંબર વન ગણાયેલી હેમામાલિનીએ તો છેક છેલ્લી ફિલ્મ સુધી અંબોડો છોડ્યો નહોતો ! કોઈ બે-પાંચ રોલમાં જ્યાં છુટ્ટાવાળ રાખવાના હતા. એમાંય, ‘છુટ્ટા વાળની વિગ’ની નીચે હેમામાલિનીએ કેળાની લાંબી હાફ-સ્લાઈસ ખોસી રાખી હોય એવું તો લાગતું જ હતું !
અમારા હિસાબે ’૭૦ના દાયકાની અંબોડા ક્વીન કોઈ હોય તો તે બબિતા હતી ! (મુમતાઝ પણ ખરી, પણ બબિતાની ‘વેઈટ-લિફ્ટીંગ’ કેપેસિટી વધારે હતી.) બબિતાની પહેલી ફિલ્મ ‘કિસ્મત’ (1968)માં તે એક શરાબી ટાઈપનું ગાયન છે... ‘આઓ હુઝુર તુમ કો...’ એમાં તે જે કઢંગી રીતે લથડિયાં ખાય છે તે જોઈને એમ જ લાગે કે બિચારીના માથામાં કોઈએ મિનિમમ 15 કિલોનો ડટ્ટો ભરાવી દીધો છે ! તેથી જ બિચારીનું બેલેન્સ સરખું રહેતું નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment