નો પ્લાસ્ટિક ડે... ઈમ્પોસિબલ છે !


એક રાત્રે જોશમાં આવીને મેં નક્કી કર્યું કે કાલે ‘નો પ્લાસ્ટિક ડે’ ! એક દિવસ માટે પ્લાસ્ટિકનો સદંતર બહિષ્કાર !

પણ મને અંદાજ નહોતો કે ખુદ પ્લાસ્ટિક જ મારો બહિષ્કાર કરશે... તો ?

***

સવારે ઊઠીને બ્રશ કરવા ગયો તો બ્રશ જ ગાયબ ! કારણ કે બ્રશની ડંડી પણ પ્લાસ્ટિકની અને બ્રશનાં છૂછાં ય પ્લાસ્ટિકનાં !

***

‘બે નંબર’ જવા માટે ટોઈલેટમાં ગયો તો આંખો ઉઘાડી રહી ગઈ ! કમોડ ઉપરનું આખું પ્લાસ્ટિક ઓગળીને લબડી રહ્યું હતું ! મારે બેસવું ક્યાં ? ધાર ઉપર ?

***

છતાં જેમ તેમ કરીને હાજત પતાવી ત્યાં નળમાં પાણી જ નહિ ! કેમ ? તો કહે, ટાંકીમાં પાણી ચડાવતી પાઈપ પ્લાસ્ટિકની અને ઓવરહેડ ટાંકી તો આખેઆખી પ્લાસ્ટિકની !

***

ચા મુકવા માટે દૂધ શોધું છું તો દેખાયું ફેલાઈ ગયેલું સફેદ પ્રવાહી ! ભઈ, દૂધની કોથળી પ્લાસ્ટિકની હોય છે...

***

થયું કે બ્રેડ ઉપર બટર ચોપડીને ખાઈએ પણ બ્રેડની કોથળી પ્લાસ્ટિકની, ખુલ્લી રહેલી બ્રેડ સૂકાઈ ગયેલી !

***

બ્રેડને ટોસ્ટરમાં શેકી... ગરમ થઈ, ત્યાં ચાંપ દાબી... “ઈઈઈઈ...” કરીને ચીસ પાડી ! કેમકે ધાતુની ચાંપ ઉપરની પ્લાસ્ટિકની ડટ્ટી ગાયબ હતી !

***

દાઝી ગયો, એટલે બર્નોલ લગાડવા  ગયો પણ ટ્યૂબ જ ઓગળી ગયેલી... જે પ્લાસ્ટિકની હતી !

***

છેવટે આ બધું લખવા માટે પેન શોધી (જે પ્લાસ્ટિકની હતી)... આખરે પ્લાસ્ટિકની ‘થ્રો અવે’ (ફેંકી દીધા જેવી) પેને જ મને સલાહ આપી :

“અલ્યા, વિદેશીઓના રવાડે ના ચડો. માત્ર આપણી ઝભલા કોથળી જ જોખમી છે. બાકીનું તમામ પ્લાસ્ટિક રિ-સાઈકલેબલ છે.”

***

- મન્નુ શેખચલ્લી

 

Comments