થોડા દિવસ પહેલાં જ દિલીપકુમાર યાને મુહમ્મદ યુસુફ ખાન સાહેબનો 97મો જન્મદિવસ ગયો.
છેક 1944માં ‘જ્વાર ભાટા’ (એનો અર્થ ભરતી-ઓટ થાય, ‘જુવાર-ભુટ્ટા’ નહીં) ફિલ્મમાં એન્ટ્રી લીધા પછી 1947માં ‘જુગનુ’ હિટ થઈ ત્યારથી એમનો સિક્કો ખરેખર ચાલવા લાગ્યો.
જાણવા જેવી વાત એ છે કે યુસુફ સાહેબ પાકિસ્તાનના પેશાવરથી મુંબઈ આવી પહોંચેલા. 1944થી ’47 સુધી એમની પાસે બ્રિટીશ પાસપોર્ટ હતો ! બોલો.
પછી ટ્રેજેડી એ થઈ કે 1998માં પાકિસ્તાને ઈન્ડિયાની ગવર્મેન્ટને સળી કરવા માટે દિલીપ સાહેબને
‘નિશાન-એ-ઈમ્તિયાઝ’નો એવોર્ડ આપી દીધો ! શિવસૈનિકોએ દિલીપ સાહેબના ઘર સામે ધરણાં કર્યા. મિડીયામાં બહુ ચકચાર મચી છતાં યુસુફ ખાને એવોર્ડ પાછો ના આપ્યો. (કહે છે કે અટલ બિહારી વાજપેયીએ એમને કીધેલું કે ચિંતા ના કરો, તમને જે ઠીક લાગે એ જ કરો.)
બીજી ટ્રેજેડી એ હતી કે દિલીપ સાહેબને જ્યારે 2015માં પદ્મ-વિભૂષણનો એવોર્ડ અપાયો ત્યારે તે ખરાબ તબિયતને કારણે દિલ્હી નહોતા જઈ શક્યા. એમને ‘ઘેરબેઠા’ એવોર્ડ એનાયત થયો. એથીયે મોટી ટ્રેજેડી એ હતી કે ‘ડિમેન્શિયા’
નામની મગજની બિમારીને કારણે એમને ખબર જ નહોતી કે આ એમના ગળામાં શું લટકાડ્યું, હાથમાં શું પકડાવ્યું અને ખભે શાલ કેમ ઓઢાડી !
ટ્રેજેડી દિલીપ સાહેબના લમણે લખાયેલી હતી.‘અંદાજ’
અને ‘દેવદાસ’માં હતાશ, નિષ્ફળ પ્રેમીની ભૂમિકા એમણે એટલી જબરદસ્ત રીતે ભજવી બતાડી કે આગળ જતાં એમને એવા જ રોલ મળવા માંડ્યા ! આ સિલસિલો છેક ‘દિલ દિયા દર્દ લિયા’ સુધી ચાલ્યો, ત્યારે લોકો એ ફિલ્મને મજાકમાં ‘દિલ દિયા સર-દર્દ લિયા’ કહેવા લાગ્યા હતા.
‘દેવદાસ’નો રોલ અતિશય વાસ્તવિક્તાથી ભજવવા જતાં તે ‘ડિપ્રેશન’નો શિકાર બની ગયા હતા. ત્યાર બાદ ડોક્ટરની સલાહથી એમણે કોમેડી રોલ ભજવવાના શરૂ કર્યા. ‘આન’ ‘આઝાદ’ અને ‘કોહીનૂર’માં લોકોને પેટ પકડીને હસાવ્યા. એ તો ઠીક, ‘કોહીનૂર’નો એક સીન, જેમાં દિલીપકુમાર વિલન જીવનથી બચવા માટે અરીસા પાછળ સંતાય છે અને અરીસાનો કાચ નીચે સરકી જાય છે, તેની બેઠ્ઠી નકલ ‘કુલી’માં અમિતાભે કરી હતી. (મઝાની વાત એ હતી કે સામે જીવન જ હતા !)
દિલીપકુમાર ઉપર ‘ટ્રેજેડી કિંગ’નો ઠપ્પો લાગી ગયો હતો પણ સાહેબ, એ કોમેડીના પણ એટલા જ બાદશાહ (કિંગ) હતા. તમે ‘રામ ઔર શ્યામ’ જોઈ લો, ‘ગોપી’, ‘બૈરાગ’, ‘સગીના’
કે ‘સૌદાગર’ ‘વિધાતા’ના અમુક સીન લઈ લો, દિલીપ સાહેબનો કોમિક ટાઇમિંગ ભલભલા કોમેડીયનને ટક્કર મારે એવો દેખાશે. છતાં અમે આગળ કહ્યું તેમ, ટ્રેજેડી એમના લમણે લખાઈ હતી. એટલે ‘કોહીનૂર’ જેવી આઉટ-એન્ડ-આઉટ કોમેડી ફિલ્મમાં પણ કંઈ આંધળા બની જવાની ટ્રેજેડી પ્રોડ્યુસરે ઘૂસાડી જ હોય !
દિલીપકુમારની ટ્રેજેડીને અમે જરા અલગ રીતે જોઈએ છીએ. ‘લીડર’માં બિચારા દિલીપ સાહેબ ભૂખરા રંગની ગાંધી ટોપીમાં ખરેખર ફની લાગતા હતા. ‘સંઘર્ષ’માં માથે મોટું તિલક ચીતરેલું, ‘ધર્મ-અધિકારી’ નામની ફિલ્મમાંતો સાઉથ ઈન્ડિયન ડીરેક્ટરે દિલીપ સાહેબને, ટકો મુંડો કરાવીને જાડા ચોટલા જેવડી ‘ચોટલી’ ચોંટાડી હતી ! વેરી ફની. (મેકપ બહુ ખરાબ હતો.) ‘બૈરાગ’માં દિલીપકુમારને ‘યંગ અને રોમેન્ટિક’ બતાડવા માટે ‘પિંક’ કલરનો સૂટ અને ‘યલો’ કલરની ટોપી પહેરાવી હતી. પછી આપણે મૂછમાં હસતાં ગાવું જ પડે : ‘સારે શહર મેં આપ સા કોઈ નહીં...’
‘સ્ટારડસ્ટ’ નામનું અંગ્રેજી મેગેઝિન એમને વારંવાર Thespian કહેતું.
આ કટાક્ષ હતો કે આદર ? ખબર નથી. હમણાં ગૂગલ કર્યું તો જાણવા મળ્યું કે ગ્રીક નાટ્યકલાના કોઈ મહાન સર્જક
‘થેસ્પિસ’ના માનમાં,જે અભિનેતા ખરેખર અતિ શ્રેષ્ઠ હોય તેને ‘થેસ્પિયન’ કહેવામાં આવે છે.
લોંગ લિવ થેસ્પિયન દિલીપકુમાર !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment