આપણે તો હજી એવી જ ઘટનાઓ સાંભળી છે કે “સેલ્ફી લેવા જતાં યુવાન કેનાલમાં પડી ગયો...” અથવા “ફેસબુક વડે પ્રેમજાળમાં ફસાવીને યુવતી 4 લાખનું કરી ગઈ...” વગેરે.
પરંતુ આગળ જતાં જમાનો એવો આવવાનો છે કે તમને આવી વિચિત્ર દુર્ઘટનાઓના ન્યુઝ જોવા મળશે...
***
90 વરસના અમેરિકન ડોશીને ગુલાંટો મારતાં જોઈને 70 વરસનાં ગુજરાતી માજી તેની નકલ કરવા જતાં ડ્રોઈંગરૂમમાં પડ્યાં... ચાર હાડકાં ભાંગ્યા !
***
યુ-ટ્યુબમાં જોઈને અઘરું યોગાસન કરવા જતાં 24 વરસના યુવાનના હાથ-પગ થઈ ગયા લોક ! બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડને આંટી છોડાવવામાં મળી સફળતા.
***
પોતાની ફેસબુકની પ્રેમિકા હકીકતમાં 55 વરસનો પુરુષ નીકળતાં 25 વરસના યુવાનનો આપઘાતનો પ્રયાસ.
***
ઓનલાઈન સર્ચનું તારણ : ‘ઘેરબેઠાં’ દારૂ પહોંચાડતી હોય તેવી સેવાની સૌથી વધુ સર્ચ ગુજરાતમાં થાય છે.
***
યુપીના કવિનો દાવો.... “મારી રચેલી 121 કવિતાઓ અને શાયરીઓ સોશિયલ મિડીયામાં ગુલઝાર અને ગાલિબના નામે ફરી રહી છે.”
***
‘વધારે વ્યુ, વધારે લાઈક અને વધારે કોમેન્ટો શી રીતે મેળવવી’ તેનો સેમિનાર યોજાયો.
***
ઉપરોક્ત સેમિનારને માત્ર 187 વ્યુ મળતાં આશ્ચર્ય !
***
“સેલ્ફી લેવા જતાં કેનાલ, તળાવ, નદી, ડેમ કે ખીણમાં પડીને મરી જનાર વ્યક્તિઓને અમે સ્વર્ગમાં ફ્રી વાઈ-ફાઈ આપીશું.” કેજરીવાલની જાહેરાત.
***
ઓનલાઈન તીન પત્તી રમતાં લેવડ-દેવડની રકમમાં ઝગડો થતાં ત્રણ યુવાનોએ ‘પબ-જી’ ગેઈમ વડે એકબીજાની હત્યા કરીને વેર વાળ્યું... ત્રણે યુવાનો સલામત.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment