કાનૂનના રક્ષકો હવે જંગલમાં !


માનવીઓ કાનૂન હાથમાં લઈ લે તેનો વિરોધ તો થઈ જ રહ્યો છે પણ હવે એ 'સંવેદનશીલ' બૌધ્ધિક લોકો જંગલમાં જઈને આ કામ કરવાના છે…

***

વાઘ, ચિત્તા, દિપડા, વરૂ જેવા પ્રાણીઓ બિચારાં ક્ષણિક ઉશ્કેરાટમાં આવીને જે અત્યાચાર કરી બેસે છે તેની સામે આ લોકો કાનૂની રક્ષણ અપાવશે.

***

જંગલનો કાનૂન, ‘કાનૂનનું કામ’ કરતો રહે એ માટે આ લોકો જંગલના રાજા સિંહને ઘેરબેઠાં મારણ પહોંચાડીને તેને સુસ્ત, આળસુ અને ઢીલો કરી નાંખશે.

***

એટલું જ નહિં, આ જ લોકો હરણાં, નીલગાય, ભેંસો, સસલાં, ઘોડા, ગધેડા જેવા ઘાસ ખાતાં પ્રાણીઓને સમજાવશે કે તમારી આ જુનવાણી રૂઢિચુસ્ત શાકાહારી ટેવો છોડો ! માંસ ખાતા થાવ ! વળી ‘બીફ’ તો સ્વાસ્થ્યપ્રદ છે…

***

જંગલની બહાર રહેતાં ગાયો, બળદો, ભેંસો વગેરેને સમજાવશે કે કતલખાનાં ચાલુ રાખવામાં તમે સૌ સહકાર આપો.

***

જે કીડીઓ હજારોની સંખ્યામાં ભેગી થઈને ઘાયલ સાપને ખાઈ જાય છે તેમને પણ આ સંવેદનશીલ લોકો સમજાવશે કે પ્લીઝ, તમે કાનૂન હાથમાં ના લઈ શકો. જો સાપ ગુનેગાર હશે તો તેને સજા જરૂર મળશે.

***

આ લોકો નવું સ્લોગન બનાવશે કે “કાયદાને કાયદાનું કામ કરવા દો, જેથી ગુનેગારોને ગુનાનું કામ કરવામાં કોઈ અડચણ ના પડે !”

***

“યહાં દેર હૈ, મગર અંધેર નહીં હૈ…” આવાં સુત્રો પોકારવા માટે આ લોકો દિવસના ટાઈમે જ જંગલમાં જશે ! અને અંધારું થાય એ પહેલાં ‘કાનૂનની સલામતી’ ખાતર પાછા આવતા રહેશે.

***

એકાદ દિવસ એવું થશે કે મીણબત્તીઓ લઈને જંગલમાં વિરોધ કરતા હશે ત્યાં વાઘની ત્રાડ સાંભળીને નાસભાગ મચી જશે !

એમાં ને એમાં સળગતી મીણબત્તીઓ સૂકા ઘાસમાં પડી જવાથી જંગલમાં આગ લાગી જશે !

…. ત્યારે આ લોકો ‘પર્યાવરણની’ સુરક્ષા માટે શહેરોમાં જઈને મીણબત્તીનાં સરઘસો કાઢશે.

***

- મન્નુ શેખચલ્લી

Comments