લગ્ન ગરબા: પ્રકારો અને પડકારો !


આપણે ગુજરાતીઓ જ્યાં ને ત્યાં ગરબા રમવા મંડી પડીએ છીએ. (છેલ્લે છેલ્લે એરપોર્ટની લોન્જમાં પણ ફ્લેશ-મોબ-ગરબા રમી કાઢ્યા) જોકે લગ્ન-પ્રસંગે થતા ગરબાના કેટલાક પડકારો પણ છે…

***

પ્રકાર : રોડ – ગરબા

આ સૌથી બિન્દાસ પ્રકારના ગરબા છે. વરઘોડાના જાનૈયાઓ (અને જાનૈયણો) ભર-ટ્રાફીકની વચ્ચોવચ્ચ સાઈકલની ચેઈન જેવો લંબ-ગોળાકાર રચીને ગરબા રમવા મચી પડે છે.

પડકારો :

- સૌથી મોટો પડકાર ટ્રાફિક-સંચાલનનો હોય છે. સ્વયંસેવક જાનૈયાઓ વાહનોને જવા દેવા કરતાં રોકવામાં વધારે રસ ધરાવતા હોય છે.

- બીજો પડકાર ખુદ વાહનચાલકોને હોય છે, જ્યારે ગરબામાં રમનારી સુંદરીઓની ક્વોલિટી અને ક્વોન્ટિટી વધારે હોય ! (આગળ જવાનું મન જ નથી થતું.)

- ત્રીજો પડકાર રોડના ડિવાઈડરથી બચવાનો હોય છે. અમુક ઉત્સાહી જાનૈયા ઉછળી ઉછળીને રમવા જતાં માંડવે પહોંચવાને બદલે હોસ્પિટલે પહોંચી ગયાના દાખલા છે.

***

પ્રકાર : હૉલ-ગરબા

હૉલની અંદર નહિ પણ હૉલની બહાર જે પાર્કિંગ એરિયામાં થોડીઘણી જગા બચી હોય છે એમાં કરાતા ગરબાને હૉલ-ગરબા કહે છે.

પડકારો :

- જાન મોડી પહોંચી હોય, તડકો ચડી ગયો હોય, કન્યા પાર્લરમાંથી પાછી ના આવી હોય… આવા વખતે ગરબાઓ (તથા જાનૈયાનો ‘સ્પીરીટ’) ટકાવી રાખવાનો પડકાર બહુ મોટો હોય છે.

- જે જાનૈયાઓ ઓલરેડી ‘સ્પીરીટ’ના જોરે કૂદી રહ્યા હોય એમનાં ટાંટિયા સરખા પડે અને એ પોતે ના પડે, એ બીજો પડકાર છે.

- ત્રીજો સૌથી સ્વીટ પડકાર એ છે કે કન્યાપક્ષની સુંદરીઓને ગરબે રમવા માટે લલચાવીને, એમની ટોળકીમાં ઘૂસણખોરી કરીને, પોતાને ગમતી સુંદરી સાથે ‘જોડી’ શી રીતે બનાવી લેવી !

***

પ્રકાર : ડીજે ગરબા

ઢોલ કે ઓરકેસ્ટ્રા નહિ પણ ડીજેનાં સ્પીકરોમાં વાગતા મ્યુઝિક ઉપર થતા ગરબા.

પડકારો

- કઈ ઘડીએ બંધ થઈ જાય, કઈ ઘડીએ ગાયન બદલાઈ જાય અને કઈ ઘડીએ તાલ પણ બદલાઈ જાય.. તેના હિસાબે સ્ટેપ શી રીતે બદલવા ?

***

- મન્નુ શેખચલ્લી

Comments