આપણા વડીલો હજી ફ્લેશ-બેકમાં જીવે છે. ‘અમારા જમાનામાં તો 1 રૂપિયો 80 પૈસામાં બાલ્કનીની ટિકીટ મળતી..’ ‘અમારા જમાનામાં તો અમે ચાલીને સ્કુલે જતા...’ વગેરે વગેરે.
જરા કલ્પના કરી જુઓ, કે આજે જે પેઢી જુવાન છે એ લોકો જ્યારે સિનિયર સિટિઝનો બનશે ત્યારે કેવી કેવી હાંકતા હશે ? ઇન્સ્ટાગ્રામમાં વચ્ચે ‘I will tell my children…’ નામનો ટોપિક ટ્રેન્ડિંગમાં હતો. અત્યારે તો ખબર નથી કે 2060માં ઈન્સ્ટાગ્રામની જગાએ શું હશે પણ એટલું તો ચોક્કસકહી શકાય કે એ વખતે ડોસા-ડોસીઓ એમનાં ‘યંગ-વન્સ’ આગળ આવી આવી જરૂર હાંકતા હશે...
***
અમારા ટાઈમમાં એટલી બધી સસ્તાઈ હતી કે અમે મુવી જોતી વખતે ખાવા માટે આખી બકેટ ભરીને પોપકોર્ન લઈએ તો એમાંથી અડધી બકેટ તો મુવી-હોલમાં જ મુકીને આવતા રહેતા હતા.
***
હું સોશિયલ મિડિયામાં સખ્ખત એક્ટિવ હતો. જ્યારે જ્યારે ડુંગળીના ભાવ વધી જાય ત્યારે હું જોરદાર વિરોધ કરવા માટે લોટ્ટોફ ફની વિડિયોઝ શેર કરતો હતો.
***
પબ્જી રમતાં રમતાં એકવાર મેં 336 દુશ્મનોને મારી નાંખેલા....
અને એકવાર તો મેં છેક નર્મદાની કેનાલમાં ઉતરીને ચાર પોકેમોન પકડેલા !
***
હું નાનો હતો ત્યારે મારી પાસે સાદો મોબાઈલ પણ નહોતો... ધરતીકંપ આવેલોને, ત્યારે હું ફક્ત 10 વરસનો હતો. તોય જરા ય ડર્યો નહોતો... 2002ના રમખાણોમાં તો કરફ્યુ હોય તો પણ હું વહેલી સવારે ઉઠીને દૂધની કોથળી લઈ આવતો !
***
અમારા વખતે દેશભક્તિ કેટલી જોરદાર હતી ! ‘ઉરી’ ફિલ્મ મેં આઠ વાર જોયેલી... મોબાઈલમાં... તે વખતે તો મને વંદેમાતરમ્ પણ આખું મોઢે આવડતું હતું.
***
તમે લોકો ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ એ બધાની વેલ્યુ શું સમજો ? એ વખતે પ્રિયંકા, અક્ષયકુમાર,
અમિતશાહ, મોદી... એ બધા મારા ફ્રેન્ડ્ઝ લિસ્ટમાં હતા.
મેં મારી પહેલી પોએમ ફેસબુકમાં મુકી તો એને રાતોરાત અઢીસો લાઈક મળેલી. બોલ, સંભળાવું તને એ કવિતા ?
***
તારી મમ્મી અને હું એકબીજાને ઓનલાઈન નહીં, રિયલમાં મળેલા ! કેન યુ બિલિવ ઈટ ? તારી મમ્મીના ફર્સ્ટ ટીક-ટોક વિડિયોનું ડાયરેક્શન મેં જ કરેલું... પૂછી જો તારી મમ્મીને.
***
આ બધા ફેક-ન્યુઝ છે ને... એ વખતે ડાયરેક્ટ ટીવીમાં જ આવતા હતા.
***
એકવાર મુકેશ અંબાણીનો મારા ઉપર ફોન આવેલો. મને કહે, બકા, હજી કેટલો ફ્રી-ડેટા જોઈએ છે ? મેં કહ્યું, ડેટાનો છોડો, તમારું નેટવર્ક નથી પકડાતું એનું કંઈક કરો... એ પછી એમણે બધું સુધાર્યું.
***
આટ-આટલા સ્ટેન્ડ-અપ કોમેડિયનો આવ્યા અને ગયા, પણ રાહુલ ગાંધી જેવો કોઈ નહીં ! હિ વોઝ સો નેચરલ...
***
મોદી સાહેબે મને ખભે ઉપાડીને જાતે પેંડો ખવડાવેલો એનો ફોટો પણ હતો. પણ મારી હાર્ડ-ડીસ્ક ક્રેશ થઈ ગઈ ને... એમાં એ ફોટો ઊડી ગયો !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment