2019ની ફીલ્મોની સ્ટોરી બબ્બે વાક્યમાં‌ !


2019માં અડધો ડઝનથી વધારે ફિલ્મો હિટ રહી છે. પરંતુ બોસ, એ ફિલ્મોની સ્ટોરીઓ બબ્બે વાક્યમાં પતી જાય એટલી ટુંકી હતી ! જુઓ..

***

સુપર 30

એક ટ્યુશન માસ્તર 30 ગરીબ છોકરાંઓને IIT એન્ટ્રન્સ એક્ઝામના ટ્યૂશનો ફ્રીમાં આપે છે.

એન્ડમાં છોકરાંઓ એક્ઝામ આપતાં પહેલાં હુમલાખોર ગુન્ડાઓ સામે એવી જોરદાર વોર કરે છે કે એન્ટ્રન્સ બોર્ડવાળા ગભરાઈને ત્રીસે-ત્રીસને પાસ કરી દે છે ! બોલો.

***

વૉર

આમાં કોઈ દેસે કોઈ દેશ સામે વૉર ડિક્લેર કરી જ નથી ! છતાં બે સિક્રેટ એજન્ટો એકબીજાના કામમાં ટાંગ અડાડ્યા કરે છે !

એન્ડમાં વિલન એટલો કંટાળી જાય છે કે તે ખરેખર વૉર સ્ટાર્ટ કરવા માટે એક મિસાઈલ છોડે છે ! પણ તે આડું ફાટે છે ! કારણ કે તે ચાઈના મેઈડ હોય છે !

***

ગલી બોય

આ બધા નિષ્ફળ ગયેલા કવિઓની સ્ટોરી છે.

કવિ સંમેલનોમાં, ફિલ્મોમાં કે એડની જિંગલમાં  પણ ના ચાલતા હોય એવા યંગ એબ્સર્ડ કવિઓ મારી મચેડીને બનાવેલી પોતાની એબ્સર્ડ કવિતાઓ એકબીજાને ‘માથે મારવાની’ કોન્ટેસ્ટ રાખે છે.

એમાં રણવીરસિંહ જીતી જાય છે કારણ કે એણે પોતાની કવિતામાં ભવિષ્યવાણી કરી હોય છે કે ચોથું વિશ્વયુધ્ધ કવિતાઓ વડે લડાશે.. “અપના ટાઈમ આયેગા !”

***

મિશન મંગલ

આ ફિલ્મની સ્ટોરી એવી છે કે ISROની પાંચ મહિલા કર્મચારીઓને ગેસના બાટલાના પ્રોબ્લેમ ના હોત, બોયફ્રેન્ડ જોડે લવના પ્રોબ્લેમ ના હોત, ભાડાનું ઘર મળવાના પ્રોબ્લેમ ના હોત અથવા એમણે ભમરડો ફરતો ના જોયો હોત તો ‘મંગળયાન’ સફળ થાત જ નહીં !

કારણ કે એમને ‘મંગળયાન’ ઉડાડવાના બધા ‘વૈજ્ઞાનિક’ આઈડિયા આમાંથી જ મળ્યા છે.

***

કબીરસિંહ

આ એવા ડોક્ટરની વાર્તા છે જે ચિક્કાર દારૂ પીધા પછી ભલભલાં સર્જિકલ ઓપરેશનો બિલકુલ પરફેક્ટ રીતે કરી શકે છે પણ માત્ર બે પેગ પીધા પછી પોતાના ભાવિ સસરા જોડે સરખી રીતે વાત નથી કરી શકતો.

આમાં ને આમાં એની પ્રેગનન્ટ પ્રેમિકા એને છોડીને જતી રહે છે. એન્ડમાં બિચારો દારૂ પીધા વિનાનો હોય છે એટલે એની સગર્ભા પ્રેમિકાના બાળકનો બાપ કોણ છે એ પૂછવાનું ભૂલી જાય છે ! બોલો.

***

બદલા

હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે અમિતાભ બચ્ચને એકમાત્ર ‘ડુપ્લીકેટ’નો રોલ કર્યો તે ફિલ્મને 100 કરોડનો વકરો થયો છે !

સ્ટોરી એવી છે કે કોઈ મોટા ‘ઓરિજીનલ’ ક્રાઈમ લોયરની જગ્યાએ બચ્ચન ડુપ્લીકેટ બનીને ઘૂસી જાય છે અને હિરોઈન પાસે મર્ડરનું કન્ફેશન કરાવીને ભાગી જાય છે ! ફિલ્મનું નામ ‘અદલા-બદલી’ રાખવાનું હતું પણ સસ્પેન્સ ખુલી જવાના ડરથી માત્ર ‘બદલા’ રાખ્યું છે.

***

હાઉસફૂલ 4

700 વરસ પહેલાં થયેલી એક મોટી ભૂલ સુધારવાની કોશિશમાં અક્ષયકુમાર હેરાન-પરેશાન થઈ ગયો છે.

છેવટે બિચારો એ ભૂલ સુધારવામાં સફળ થાય છે પરંતુ નસીબજોગે ફિલ્મમાં કોઈ મંદિર તોડીને મસ્જિદ બનાવવાની વાત નહોતી એટલે અક્ષયકુમાર બુધ્ધિજીવીઓની ટીકાથી બચી જાય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment