હું ગરીબ છું.
વરસોથી ગરીબ છું.
વરસો પહેલાં એક ઈન્દિરા ગાંધી આવ્યાં હતાં. એમણે ‘ગરીબી હટાઓ’ નો નારો લગાવ્યો હતો.
તે વખતે હું ફૂટપાથ ઉપર રહેતો હતો. પરંતુ એમને મોટું સરઘસ કાઢીને ‘ગરીબી હટાઓ’ના નારા લગાવવા હતા એટલે મને ત્યાંથી હટાવી દેવામાં આવ્યો.
***
ત્યારબાદ મેં સાંભળ્યું કે વિશ્વની મોટી મોટી સંસ્થાઓ ગરીબી ઉપર રિસર્ચ કરી રહી છે.
એક દિવસ અમુક અર્થશાસ્ત્રીઓ આવીને મને કહેવા લાગ્યા કે તું ‘ગરીબ’ નથી. તું deprived એટલે કે ‘વંચિત’ છે !
મેં કહ્યું કે એનાથી શું ફેર પડશે ? તો કહેવા લાગ્યા કે એના કારણે આખી ‘વૈશ્વિક અર્થવ્યવસ્થા’ને સમજવામાં ઘણી મદદ થશે.
***
એ પછી એક દિવસ મેં સાંભળ્યુંકે મને ‘વંચિત’ નહિ પણ dis-advantaged એટલે કે ‘બિન-લાભાર્થી’ ગણવામાં આવે છે.
મને આ નવો શબ્દ સમજાયો નહિ. એમણે કહ્યું કે તું ગરીબી દૂર કરવાની યોજનાઓનો ‘અંતિમ લાભાર્થી’ હોવા છતાં ‘સિસ્ટમ’માં રહેલી કેટલીક ખામીઓને કારણે તને ‘ગેર-લાભ’ થાય છે ! બોલો.
***
ત્યાં તો એક દિવસ મને કોઈએ કીધું કે ભારતના કોઈ અમર્ત્ય સેન નામના મહાન માણસને નોબેલ ઈનામ મળ્યું છે. એમણે ગરીબીની નવી ‘વ્યાખ્યા’ કરી છે !
હવે તો મને ખાતરી હતી કે નવી વ્યાખ્યા થવાથી મારી સ્થિતિ બદલાઈ જશે.
મને એમ પણ હતું કે ડૉ. અમર્ત્ય સેનને જે ઈનામ મળ્યું એમાંથી તે મને 100-200 રૂપિયા આપવા આવશે. જોકે એ આવ્યા નહિં.
***
છ-સાત મહિના પહેલાં ચમત્કાર થઈ ગયો !
કોઈએ મને કહ્યું કે પેલાં ઈન્દિરાજીનો પૌત્ર ‘ન્યાય’ યોજના લાવ્યો છે. એમાં મને દર વરસે 72,000 રૂપિયા મળશે.
હજી સુધી મને રૂપિયો પણ મળ્યો નથી ત્યાં કાલે જ સમાચાર મળ્યા કે એ ‘ન્યાય’ યોજના ઘડનારા કોઈ બેનર્જીને 7 કરોડ રૂપિયાનું નોબેલ ઈનામ મળ્યું છે !
આમાં મારે શું સમજવાનું ? શું કોઈ નવી વ્યાખ્યા થઈ ગઈ ? કે ગરીબીનું કોઈ નવું નામ શોધાઈ ગયું છે?....
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment