“આ વૃષ્ટિનું હજી કેટલું ચાલશે?”
રણઝણસિંહના ઘરે દાખલ થતાં જ અમે ગુજરાતીઓની સૌથી મોટી ચિંતાને ‘વાચા’ આપી. રણઝણસિંહ હસ્યા.
“મન્નુડા, વરસાદની અતિવૃષ્ટિ તો હવે પતવા આઈવી, હવે તું કઈ વૃષ્ટિની વાત કરે છે ?”
“અરે, પેલી વૃષ્ટિ નામની યુવતીની ! જે લાપતા છે.”
રણઝણસિંહ આ વખતે ભેદી રીતે હસ્યા. મને કહે :
“મન્નુડા, આ તો ટ્વીટર મિડિયાનો પ્રતાપ છે.”
“એટલે ?”
“ઓલ્યાં સોહા અલી ખાન નામનાં રૂપાળાં અભિનેત્રી બહેને ટ્વીટ કરી એમાં જ આ ન્યુઝ બની ગ્યા ને.”
“હા, એ વાત તો સાચી.”
“તો તને શું લાગે છે, આખા દેશના રિપોર્ટરો આવી નોરા ફતેહી, અનન્યા પાંડે, માનુષી ચિલ્લર, કામિની ભુલ્લર જેવીયુંના ટ્વીટર એકાઉન્ટોમાં સવારથી સાંજ લગી ટાંપીને ખાંખાંખોળાં કરતા બેઠા હશે કે એવડી ઈ યું શું ટ્વીટ કરે છે ?”
“ચિલ્લર ? ભુલ્લર ?” અમે ગુંચવાઈ ગયા. “આ બધી કોણ છે ?”
“હિરોઈનું છે ગાન્ડા !” રણઝણસિંહ હસવા લાગ્યા. “શું દેશના પત્રકારો આવી અડધી જાણીતી હિરોઈનુંના ટ્વીટું વાંચતા બેઠા હશે ?”
“ના જ બેઠા હોય ને !”
“તો પછી સોહા બહેનને આપણી વૃષ્ટિ બહેનની ચિંતા છે એવા સમાચાર મુખ્ય મિડીયાને મળે ક્યાંથી ?”
“ક્યાંથી ?” અમે માથું ખંજવાળ્યું.
“અલ્યા, સોહા અલી ખાનનો જે મિડિયા મેનેજર હોય ઈ જ આવી ખબર મુખ્ય મિડિયાને પહોંચાડે ને ?”
“હા… એ વાત સાચી.” અમારા મનમાં મોડે મોડે ગેડ બેઠી. છતાં કહ્યું, “ચાલો, એ બહાને બિચારી કોઈ ખોવાયેલી યુવતીનો પત્તો તો મળશે ને !”
“ભલે ને મળતો ? પણ હું એમ પૂછું છું…”
“શું ?”
“કે ઓલ્યા રાહુલ ગાંધી દેશ છોડીને બેંગકોક વયા ગ્યા છે કે કંબોડિયા જઈને બેઠા છે એની ખબર કેમ દેશને પડતી નથી?”
“શી ખબર ?” અમે ઘણું વિચાર્યા પછી હાથ અધ્ધર કરી દીધા.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment