સવાર સવારના એક કવિ મળી ગયા. મને કહે “મેં એક અછાંદસ ગરબો બનાવ્યો છે !”
અમે સ્તબ્ધ :
‘અછાંદસ ? … અને એ પણ ગરબો ?’
અમારા દિમાગમાં આખી વાત બેસતી જ નહોતી ! ક્યાંથી બેસે ? પરંતુ કવિશ્રી બહુ કડક અવાજે બોલ્યા :
“મન્નુભાઈ, આ છંદ, લય અને તાલની જુની પરંપરામાં બંધાઈ રહેવાથી ગુજરાતના ગરબાને ભારે નુકસાન થયું છે.”
લો બોલો. અહીં આપણે એમ વિચારીએ છીએ કે આ વરસાદ પડવાનો બંધ નથી થતો એમાં સિઝનની નવરાત્રિના આયોજકોને 200-300 કરોડનું નુકસાન થઈ ગયું હશે. જ્યારે આ કવિશ્રીને લાગેછે કે નુકસાન તો છંદ, લય અને તાલ કરી રહ્યા છે !
જોકે આવા કવિ ટાઈપના લોકો સાથે બહુ દલીલો કરવી નહીં. (મગજ આપણું જ ખરાબ થાય. એમને કશું ના થાય.) એટલે અમે કવિશ્રીને અમસ્તુ પ્રોત્સાહન આપી દીધું.
“સરસ. સરસ ! તમે આવા 30-40 અછાંદસ ગરબા લખી નાંખો ! પછી એનું પુસ્તક કરજો. સોરી, પુસ્તક નહીં, એનો શિલાલેખ કરાવજો... કારણ કે હવે કવિતાએ પણ કાગળ, પૂંઠાં અને બાઈન્ડિંગનાં જુના બંધનોમાંથી મુક્ત થવાની જરૂર છે.”
અમારા મનમાં શિલાલેખનો આઈડિયા એટલા માટે આવ્યો હતો કે બિચારા લોકો તેની ઉપર ઈંટ, ઢેખાળા અને સડેલાં ટામેટાં છૂટ્ટાં મારી શકે....
તોય કવિએ અમને રસ્તાની વચ્ચોવચ ઊભા રાખીને એમનો અછાંદસ ગરબો સંભળાવવા માંડ્યો :
તાક ધીન ! ધિન્ના !
ઝાંઝર, સ્કુટી, પિત્ઝા !
તિરકીટ ધા... બર્ગર ખા...
ધમાધમ ડી.જે.ની
શેરીમાં હતી જ ક્યાં ?
પાષાણ ફાડીને પડઘાતાં
આ પ્રતિબિંબો
‘ટીલડી’માં હતાં જ ક્યાં ?
ફૂદરડી. ફૂદરડી, ફૂદરડી
ફૂમતાં, ઘુમતાં, રમતાં
તાળી તાળી.. તા તા !
પાણીપુરી... ખા ખા !
તાક ધીન ! ધિન્ના...
ઝાંઝર, સ્કુટી, પિત્ઝા...
કવિની અછાંદસ રચના તો ખાસ્સી દસ મિનિટ ચાલી, પણ ચિંતા ન કરશો. હજી અમે હેમખેમ છીએ...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment