ગરબાના નવાં સ્ટેપ્સ !



આપણી ત્રણ-તાળી અને એક-તાળી તો જુની થઈ ગઈ. હવે તો ખેલૈયાઓ ‘દોઢિયું’, ‘અઢીયું’ અને ‘સોળિયું’ (સોળ સ્ટેપ) રમતા થઈ ગયા.

આની સાથે સાથે બીજી પણ ઓરીજિનલ સ્ટાઈલો ચાલી રહી છે. જેમ કે…

***

ડિસ્ટર્બિયું

તમામ ઠેકાણે એકાદ નમૂનો તો એવો હશે જ, જે તીતીઘોડાની જેમ ‘વિધાઉટ વોર્નિંગ’ ગમે ત્યારે, ગમે ત્યાંથી ગમે ત્યાં ઉછળી ઉછળીને પડતો હોય !

આવી આઈટમોનો મુખ્ય ઉદ્દેશ બીજાઓને ડિસ્ટર્બ કરવાનો જ હોય છે. છતાં જોવાની વાત એ છે કે આવા ઘનચક્કરોના જ વિડીયો વાયરલ થાય છે !

***

સોગિયું

કોઈના બેસણામાં આવ્યા હોય એના કરતાં ય બળેલું મોઢું લઈને ગરબામાં ફરનારા તમને ડઝનના ભાવમાં જોવા મળશે.

આવા સડેલાં ડાચાં જોઈને ઘણીવાર એમ થાય છે કે સીસીટીવીમાં એમના ફોટા પાડીને એમને 500-500 રૂપિયા દંડના મેમો ફટકારી દેવા જોઈએ !

***

પતંગિયું

આખું ગામ સરસ મઝાનું મોટું સર્કલ બનાવીને ગરબા રમતું હોય છતાં આવું એકાદ પતંગિયું (મોટે ભાગે જુવાન છોકરી) બગલમાં બે પાંખો ફૂટી હોય એમ બે હાથ હવામાં ઊંચા કરીને આખા ગ્રાઉન્ડમાં ઉડ્યા કરશે !

***

લબૂકીયું

જેમ ફૂલ ટ્રાફિકવાળા રસ્તામાં તમને કોઈ જુનું ઠાઠીયું સ્કુટર વારંવાર નડ્યા જ કરે તેમ આવા હવા નીકળી ગયેલા લબૂકીયા પતંગ જેવા નમૂના તમને ઠેબે ચડ્યા જ કરશે.

***

કેસરીયું

જાણે અહીં ધીંગાણું ફાટી નીકળ્યું હોય અને દુશ્મનોનાં છોતરાં ફાડી નાંખવાના હોય એ રીતે અમુક બહાદુરો કેસરીયાં કરવા નીકળી પડ્યા હોયછે. તમારાં ગળાં સંભાળજો !

***

ખણખોદિયું

આ નમૂના ઓડિયન્સમાં હોય છે. એમના સ્ટેપમાં હાથ-પગ નથી હલતા, માત્ર જીભ હલ્યા કરે છે… સૌની ટીકા કરવા માટે !

***

- મન્નુ શેખચલ્લી

Comments