ગાંધીજીનાં રેત-શિલ્પો ...


રેત-શિલ્પો મોટા ભાગે ઊભાં નહિ, આડાં બનાવવામાં આવે છે. ગાંધીજીની 150મી જન્મજયંતિએ, કલ્પના કરો, કે એવાં શિલ્પો ઉપર નવા સમયનાં પાણી ફરી વળ્યાં પછી શું થાયછે….

***

ગાંધી, જવાહર અને સરદાર

જાણીતી તસવીરનું રેત-શિલ્પ બન્યું છે. જવાહરલાલ અને સરદાર વલ્લભભાઈ ગાંધીજીની અડખે પડખે બેસીને કંઈ મસલત કરી રહ્યાં છે.

ત્યાં તો સમયનાં પાણી ફરી વળે છે. સૌથી પહેલાં તો ગાંધીજી જ ધોવાઈ જાય છે…

આના કારણે જવાહરલાલ અને વલ્લભભાઈ એકબીજા સામે ઘુરકિયાં કરતા હોય એવા દેખાય છે !

પાણીની બીજી થપાટ આવે છે… આખા જવાહરલાલ ગાયબ થઈ જાય છે !

થપાટોનાં જે છાંટા ઉડ્યા છે તેના લીધે હવે સરદાર વલ્લભભાઈનો ચહેરો સાવ કન્ફ્યુઝ થઈ ગયેલો દેખાઈ રહ્યો છે !

***

ગાંધીજી અને બાળક

ગાંધીજીની બીજી એક તસવીરનું રેત-શિલ્પ બન્યું છે. એક નાનકડું બાળક ગાંધીજીની લાકડી ખેંચીને તેમને પોતાની પાછળ દોરી રહ્યું છે.

ત્યાં પાણીનું મોજું આવે છે…

ગાંધીજી ધોવાઈ ગયા છે અને જે ભાગ બચી ગયો છે એ જોતાં લાગે છે કે બિચારા બાળકને કોઈ ટ્યૂશનિયા માસ્તરની લાકડી, પીઠ ઉપર ગોદા મારી રહી છે…

***

ગાંધીજીના ચશ્મા

રેતીમાં ગાંધીજીના વિશાળ ચશ્મા બનાવાયા છે. ચશ્માના બન્ને કાચમાં બે શબ્દો લખ્યા છે ‘સ્વચ્છ ભારત’…

ત્યાં તો પાણીનું મોજું આવે છે.

મોજું પાછું હટે ત્યારે દેખાય છે કે ચશ્મા ઉપર સત્તર જાતની ગંદકીના ઢગલા થયા છે…

***

ગાંધીજી અને અહિંસા

ગાંધીજીના સૌમ્ય, શાંત ચહેરાની નીચે લખ્યું છે ‘અહિંસા પરમો ધર્મ’…

પાણીનું મોજું આવે છે.

તે પાછું હટે ત્યારે અમુક અક્ષરો ભૂંસાઈ ગયા છે. જે અક્ષરો બચ્યા છે તેમાં વંચાય છે : “હિંસા… ધર્મ…”

***

- મન્નુ શેખચલ્લી

Comments