આજકાલ એક નવા ‘ઈનોવેશન’નો વિડીયો સોશિયલ મિડીયામાં ફરે છે. એમાં એક ગોરાં સરખાં બહેન દાવો કરે છે કે એમણે નવું ‘બાયો-ડિગ્રેડેબલ’ પ્લાસ્ટિક શોધ્યું છે.
ઓકે. વેરી ગુડ. પણ પછી એ જ વિડીયોમાં બતાડે છે કે એ પ્લાસ્ટિકનો ટુકડો પાણી ભરેલા ગ્લાસમાં નાંખો તો વીસ સેકન્ડમાં પ્લાસ્ટિક ઓગળી જાય છે !
વાહ ભઈ વાહ ! મતલબ કે આ પ્લાસ્ટિકનાં કપ રકાબી ના બની શકે ! થર્મોસ ના બની શકે, એમાંથી રેઈનકોટ ના બની શકે, અરે એ પ્લાસ્ટિકથી શાકની થેલી બનાવી હોય અને વરસાદ પડે તો ?
છાપરામાં ના વપરાય, મોબાઈલ કવરમાં કામ ના લાગે, દૂધનું પાઉચ ના બનાવી શકાય… તો એ પ્લાસ્ટિકનું કરવાનું શું ?
આવી તો અનેક ઘનચક્કર શોધો અમે પણ કરી શકીએ છીએ…
***
અમે એક એવી પાવરફૂલ ટોર્ચની શોધ કરવાના છીએ જેમાં બલ્બની જરૂર જ નથી !
આ ટોર્ચમાં એવા જોરદાર અરીસા હશે કે સૂર્યનાં કિરણો એની ઉપર પડતાંની સાથે જ આંખો અંજાઈ જાય એવો પ્રકાશ ટોર્ચમાંથી નીકળશે !
જો કે સાંજ પડી ગયા પછી અંધારામાં તેનો ઉપયોગ થઈ શકશે નહીં…
***
બાથરૂમમાં તમારો સાબુ પલળીને લોચો થઈ જાય છે ?
તો અમે એક એવા વોટરપ્રુફ સાબુની શોધ કરી છે જે પાણીમાં જરાય ઓગળશે નહીં !
અમે એ સાબુ પથ્થરમાંથી બનાવવાના છીએ…
***
વરસાદ પડે છે ત્યારે તમારો રેઈનકોટ પલળી જાય છે ને ? ખાસ કરીને ધોધમાર વરસાદમાં રેઈનકોટના કોલરમાંથી પાણી અંદર જવા લાગે છે ને ?
અમે એવી એક શોધ કરી છે જેના કારણે મોટા ભાગનો રેઈનકોટ કોરો રહેશે ! કોલરમાથી પણ પાણી અંદર નહીં જાય !
અમે એ રેઈનકોટ સાથે એક છત્રી આપવાના છીએ….
***
… અને સહેજ પણ વાંચતા ના આવડતું હોય એવા અભણ માણસો માટે અમે એક પુસ્તક બહાર પાડવાના છીએ :
“જાતે વાંચતા શીખો !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment