મંદી નિષ્ણાતોએ ભણવા જેવા વિષયો !


વિદેશના અમુક નિષ્ણાતોને ચિંતા પેઠી છે કે ભારત ભયંકર મંદીમાં સપડાવાનું છે !

દિવાળી તો હમણાં જ  ગઈ. શું તમે મંદી જોઈ ? છતાં જે ભારતીય નિષ્ણાતો માને છે કે મંદી આવશે જ, તેમણે અમુક વિષયો ફરીથી ભણી લેવા જરૂરી છે….

***

ઈકોનોમિક્સ શીખો…

જેથી તેમને સમજાશે કે ‘મિલિયોનેર બનવાના 10 ઈઝી રસ્તા’ નામની બુક જો ખરેખર એટલી ચમત્કારી હોય તો તેની એડ. છેક રાતના અઢી વાગે ‘ટેલિબ્રાન્ડ્ઝ’ ટાઈપના શોમાં કેમ બતાડતા હશે ?

***

હોમ-સાયન્સ શીખો…

જેથી નોકરી છૂટી ગયા પછી જ્યારે તેમને ‘ઓનલાઈન’ ઓર્ડર કરીને પિત્ઝા, બર્ગર, પંજાબી, મુગલાઈ કે ચાઈનિઝ ફૂડ મંગાવવાનું નહીં પોષાય...

ત્યારે બટાટા, કાકડી, ટામેટાં અને સાદી બ્રેડ વડે ‘વેજિટેબલ સેન્ડવીચ’ શી રીતે જાતે બનાવવી તે શીખી શકાય !

***

મેડિકલ સાયન્સ શીખો..

જેથી તેમને ખબર પડે કે તમારો ડોક્ટર જેને ‘રેસ્પિરેટરી ટ્રેક ઈન્ફેક્શન’નું નામ દઈને તમારી દવાઓ અને ટ્રીટમેન્ટના નામે જે 200-300 રૂપિયાનો ચાર્જ લગાડે છે...

તે રોગને સાદી ભાષામાં ‘ખાંસી-ઉધરસ’ કહેવામાં આવે છે !

***

મેથેમેટિક્સ શીખો

કારણ કે જ્યારે  ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ વડે ધૂમ ખરીદીઓ કર્યા પછી બેન્કમાં બેલેન્સ ના હોવાને કારણે તેમના કાર્ડ ‘બ્લોક’ થઈ જશે…

ત્યારે તેમણે કરેલી ખરીદીનો સરવાળો કાગળ અને પેન વડે કોણ કરી આપશે ? કોઈ નોબેલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી ?

***

કાયદો પણ શીખો…

જેથી તેઓની ઉપર ચડી ગયેલા લોનના હપ્તાની વસૂલી કરવા માટે જ્યારે બેન્કના માણસો આવે ત્યારે એમને ક્રિકેટના બેટ વડે ફટકાર્યા પછી...

તાત્કાલિક કયા વકીલનો સંપર્ક કરવો જોઈએ તેની સમજ પડે !

***

અને ‘ધ્યાન’ શીખો…

જેથી ‘મૂડીઝ રેટિંગ’, ‘IMF રેટિંગ’, ‘વર્લ્ડ બેન્ક રિપોર્ટ’… જેવા અઘરા અઘરા શબ્દોને વારંવાર સમજવાનું મન જ ના થાય !

***

- મન્નુ શેખચલ્લી

Comments