આપણા મોદી સાહેબ ભલે હ્યુસ્ટનમાં જઈને ‘હાઉડી મોદી’ પ્રોગ્રામમાં ઈન્ડિયનોની વાહ વાહ કરાવી આવ્યા પરંતુ હજી ત્યાંના ધોળિયાઓ ‘મોદી’ને ‘મોડી’ જ કહે છે !
કેમ ? તો કહેશે કે અંગ્રેજીમાં ‘દ’ નથી હોતો. લો બોલો ! તો પછી ફ્રાન્સના ભૂતપૂર્વ વડા ‘દ-ગોલ’નું નામ એ લોકો શી રીતે સરખું બોલે છે ?
જ્યાં પ્રખ્યાત પેઈન્ટર ‘લિયોનાર્દો-દા-વિન્ચિ’ બોલવાનું હશે ત્યારે તો એમની જીભમાં માખણ ચોપડ્યું હોય એમ લપસણી થઈને સરખા ઉચ્ચાર કરશે પણ જ્યાં આપણા ‘મોદી’નું નામ આવ્યું કે કડક જીભ રાખીને કહેશે ‘મોડી!’
આ તો કંઈ નથી. ધોળિયાઓની જીભે આપણી ભલભલી અટકો (સરનેમો)નાં સત્યાનાશ વળી જાયછે. બિચારી માધુરી દિક્ષીત આટલા વરસથી અમેરિકામાં રહે છે છતાં અમુક ધોળિયાઓને એની અટક બહુ વિચિત્ર લાગે છે કારણ કે Dikshitમાં છેલ્લા ચાર અક્ષરથી ‘Shit’ બને છે !
આમ નાકનાં ટીચકાં ના ચડાવો, દોસ્ત ! અહીનાં કોઈ ‘ટાંક’ અટકવાળા ભાઈ ત્યાં જાય તો એમને ‘ટેન્ક’ જ કહે છે. (Tank એટલે ટાંકી). જરા વિચારો, આપણા ટાંકભાઈની પત્ની શરીરે જરા ગોળમટોળ હોય તો એમના માટે ‘મિસિસ ટેન્ક’ કહે તે કેવું લાગે ?
‘મિસ્ત્રી’ના ઉચ્ચાર તો એ લોકો ‘મિસ્ટરી’ જ કરે ને ? ઉપરથી વળી ક્યારેક પૂછે “વોટ ઈઝ ધ મિસ્ટરી બિહાઈન્ડ યોર સરનેમ ? ”
જો આપણે રૈના અંગ્રેજીમાં આ રીતે Raina લખીએ તો એમને સૌથી પહેલાં Rain (વરસાદ) જ વંચાય. અમુક તો દોડ ડાહ્યા થઈને પૂછે કે ‘રેઈન’ પાછળ વધારાનો ‘એ’ શા માટે રાખ્યો છે?
જેમની અટક ‘દવે’ છે એમને કોઈ ધોળિયો ‘દવે’ કહેતો જ નથી કારણ કે ‘Dave’ તો એમનું જાણીતું નામ છે… ‘ડેવ’! ટુંકમાં, આપણા ‘જ્યોતિન્દ્ર દવે’થી લઈને ‘અશોક દવે’ સુધીના તમામ ‘દવે’ એમના માટે ‘ડેવ’ છે ! હશે, એ બહાને એમને ‘દેવ’ તો માન્યા ?
જ્યાં એમણે Trivedi સરનેમ વાંચી નથી કે બોલશે ‘ટ્રાઈ-વેડી’ ! અને જ્યાં Antani (અંતાણી) અટક હશે ત્યાં કહેશે ‘એન્ટ-એની’! (Ant એટલે કીડી). આવાઓને તો ‘વચ્છરાજાની’ અટકનો જ્યાં સુધી સાચો ઉચ્ચાર ના કરે ત્યાં સુધી 100 ઉઠ બેસો કરવાની સજા કરવી જોઈએ ! શું કહો છો ?
અચ્છા, તમને શું લાગે છે, એ લોકો ‘માંકડ’નો સ્પેલિંગ વાંચીને શું બોલતા હશે ?... મેન-કેડ! કારણ કે Mankadમાં એમને પહેલાં Man વંતાય છે. એ જ રીતે ચાંચડ (Chanchad)માં એમને ચીનનો ખ્યાતનામ એક્ટર જેકી ચેનનો ‘chan’ દેખાઈ જાય છે એટલે બોલે છે : ‘ચેન-ચેડ’ ! તારી તો જીભમાં કાંટા ઊગે…
અમારા સુરતના એક મિત્રની અટક ‘તારમાસ્તરવાલા’ છે ! એ ભાઈ જ્યારે અમેરિકા ગયા ત્યારે ત્યાંના ધોળિયાઓ એમને ‘ડામર’ના ‘નિષ્ણાત’ સમજી બેઠા હતા. શા માટે ? કારણ કે Tar-Master-wala…. આમાં Tar એટલે ડામર !
હવે વધારે શું કહેવું ? ધોળિયાઓ અમારું નામ પણ આ રીતે બોલે છે : “મેન, યુ, શેક, ચીલી?” (શું તમે મરચું હલાવો છો?)
***
- મન્નુ શેખચલ્લી
Email : mannu41955@gmail.com
Ha..ha..
ReplyDelete