રાજસ્થાનના મુખ્યમંત્રી કહે છે કે ગુજરાતમાં તો દારૂની રેલમછેલ છે ! જો એવી દારૂની છૂટ ખરેખર ગુજરાતમાં હોત તો ?
બહુ રાજી થવાની જરૂર નથી. જો એવી છૂટ હોત તો તમારી પત્નીઓ શું કહેતી હોત ? જરા વિચારી જુઓ…
***
સવારમાં
તમે સવાર સવારના હજી છાપું વાંચતા હશો ત્યાં પત્ની આવીને કહેશે :
“સાંભળો છો ? આજે અમારે બધાને ઉપવાસ છે. તમે ગઈકાલે રાતનું વધેલું મન્ચિંગ ખાઈને ચલાવી લેશો ?”
***
જમવામાં
એકાદ દિવસ તમે જમવા બેઠા હશો ત્યાં પત્ની ભાણું પીરસતાં તમને કહેશે :
“સાંભળો, આજે દાળ નથી બનાવી… તમને સાંજનો વધેલો બિયર ચાલશે ને ?”
***
વાનગીમાં..
વળી બીજા કોઈ દિવસે, તમે હજી વાડકીમાંથી સબડકો માર્યો જ હશે ત્યાં પત્ની કહેશે :
“એ કઢી કેવી લાગી ? તમારી ખાલી બાટલીઓમાં જે થોડું થોડું રહી જાય છે ને, એમાં પાણી ઉમેરીને વઘાર કરી નાંખ્યો છે !”
***
ભાવતાલમાં
તમે ‘છૂટથી વેચાતી’ બિયરની 10 બોટલનું ક્રેટ લઈને હજી ઘરમાં દાખલ થયા નથી, ત્યાં તો પત્ની પૂછશે :
“કેટલાનું પડ્યું ? જોડે કોઈ ફ્રી ગિફ્ટ નથી ? માગવી જોઈએ ને ? હવેથી તમે બિયર લેવા ના જતા. હું જ લઈ આવીશ. !”
***
સિઝનમાં…
એકાદ રવિવારે બપોરની ઊંઘ કાઢ્યા પછી તમે ઊઠીને આંખો ચોળતા હશો ત્યાં પત્ની પાડોશણ જોડે વાતો કરતી સંભળાશે :
“મંજુબેન, તમે સિઝનનો દારૂ ભર્યો કે નહીં ? જોજો હોં, પછી ભાવ વધી જવાના છે !”
***
અને થર્ટી-ફર્સ્ટમાં…
31 ડિસેમ્બરની પાર્ટી માટે તમે ભૂલેચૂકે બજારમાંથી મન્ચિંગના પડીકાં લઈને ઘરે આવો ત્યાં જ પત્ની તમને ખખડાવી નાંખશે :
“આ શું લઈ આવ્યા ? હજી દિવાળીનાં મઠીયાં, ચેવડા અને દાળ-મૂઠ પડ્યાં છે ! એ મન્ચિંગમાં પતાવો ને !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment