લો બોલો, બજારમાં માઈકલ જેકસન, જેકી ચાન અને ચાર્લી ચેપ્લીનના ફોટાવાળું દારૂખાનું આવ્યું છે !
આ હિસાબે તો આપણા દેશના નેતાઓની પણ અમુક બ્રાન્ડો હોવી જોઈએ ! શું કહો છો..
***
મોદી બ્રાન્ડ ભવ્ય આતશબાજી
માત્ર ભારતમાં જ નહિ પણ છેક અમેરિકાના હ્યુસ્ટનમાં પણ જેનાથી ટ્રમ્પ જેવા ટ્રમ્પ અંજાઈ જાય છે તે મોદી બ્રાન્ડ આતશબાજીમાંથી સતત કંઈને કંઈ ધડાકા, ધમાકા, જુમલા અને જ્વાળાઓ નીકળતાં જ રહે છે…
ક્યારેક સર્જિકલ સ્ટ્રાઈક તો ક્યારેક આર્ટિકલ 370એ… ખિસ્સાં જરૂર ખાલી કરે છે, છતાં મનોરંજનની ફૂલ ગેરંટી !
***
ગડકરી બ્રાન્ડ તડાફડી
આ વરસે ગડકરી બ્રાન્ડનું આખું તડાફડી પેકેજ બહાર પડ્યું છે ! એમાંથી વછૂટેલી ભોંયચકરીઓ, સાપોલિયાંઓ, ટેટાઓ અને લવિંગિયાઓ તમામ વાહન ચાલકોને ચોંકાવી દે છે !
(ખાસ ચેતવણી : હેલ્મેટ પહેર્યા વિના ફોડવું નહિ અને ફોડ્યા પછી પણ પીયુસીનું સર્ટી. લેવું પડશે ! અને હા, માત્ર વેચનારે નહીં, પણ ખરીદનારે પણ દારૂખાનાનું લાયસન્સ રાખવું પડશે !)
***
અલ્પેશ બ્રાન્ડ હવા-હવાઈ
અલ્પેશ ઠાકોર બ્રાન્ડની આ હવાઈની મઝા એ છે કે તે ઓલરેડી ‘હવાયેલી’ જ મળશે ! વળી, તે ઉપર જાય છે તેના કરતાં ઊંધે માથે શી રીતે નીચે પટકાય છે તે જોવાની સૌને ખુબ મઝા પડે છે !
રાધનપુરના રહીશો માટે ખાસ ડિસ્કાઉન્ટ !
***
યોગી બ્રાન્ડ સાત્વિક સંધાન આણ્વિક વિસ્ફોટકમ્
આવું અઘરું નામ જોઈને કન્ફ્યુઝ ના થાઓ ! અસલમાં આ જુના અને જાણીતા સૂતળી એટમ બોમ્બનું નવું નામ છે !
એના ધડાકાથી થનારો અવાજ હવે ‘પ્રચંડનાદ’ તરીકે ઓળખાશે અને ફેલાતો પ્રકાશ હવે ‘દિવ્યતેજ’ ગણાશે.
***
64 બુધ્ધિજીવી લેટર-બોમ્બ
આમ તો 64 ઈન્ટેલેક્ચ્યુઅલોએ લખેલો આ એક પત્ર જ છે પરંતુ અમુક લોકો તેને ખતરનાક બોમ્બ સમજે છે, બોલો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment