હિન્દી ફિલ્મોમાં ગરબા કેટલા ?
જવાબ છે : આંગળીના વેડે ગણવા બેસીએ તો પણ વેઢાં વધી પડે અને ગરબા ‘ખૂટી પડે’ એટલા. (બાય ધ વે, આંગળીના વેઢા સોળ થાય.)
હવે ગણી જુઓ, હિન્દી ફિલ્મોમાં કેટલા ગરબા આવ્યા ? અમને તો ‘સરસ્વતીચંદ્ર’માં આવેલો ‘મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેશ’ જ સૌથી પહેલો હશે એવું યાદ છે. એની પહેલાં કોઈ આવ્યો હોય (અને હજી યાદ હોય) તો કહેજો.
બાકી એ પછી મનમોહન દેસાઈએ મારી મચેડીને ઘૂસાડેલો ‘સુહાગ’નો ગરબો ‘નામ રે સબ સે બડા તેરા નામ’માં પણ ‘ઊંચે ડેરોંવાલી’ અને ‘શેરોંવાલી’ જેવા શબ્દો ઉત્તર ભારતની ‘શેરોંવાલી માતા’ની કોઈ રચનામાંથી લીધા હોય એવા લાગે છે.
આપણા ત્રણ ત્રણ ગુજરાતી સંગીતકારો, કલ્યાણજી-આનંદજી અને શંકર-જયકિશનવાળા જયકિશન હિન્દી ફિલ્મોમાં ડંકો વગાડતા હતા છતાં ફિલ્મી ગાયનોમાં ગરબા વગાડી શક્યા નહીં.
એમ તો અવિનાશ વ્યાસે પણ પચાસેક હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યાનું કહેવાય છે પરંતુ એમાંથી એકાદ ગરબો તો છોડો, એકાદ ગાયન પણ આજે યાદ કરવા જેવું મળતું નથી.
હિમેશ રેશમિયા પણ ગુજરાતી તો ખરા, પરંતુ એમણે ય ‘મખણા, ચખણા, રખણા…’ ટાઈપનાં દસ-બાર પંજાબી સ્ટાઈલના રાગડા તાણી કાઢ્યા છતાં એકાદ ગરબાનો ક્યાંય મેળ પાડ્યો નહિ.
એમના કરતાં તો આપણા મહેશ-નરેશ સારા, કે એમનું ફેમસ ગુજરાતી ફિલ્મી ગીત ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય’ની ધૂન એક હિન્દી ફિલ્મમાં આવી અને આજકાલ ‘મેઈડ ઈન ચાઈના’માં એનું મારફાડ રિ-મિક્સ પણ આવી ગયું.
હવે આની સામે તમે વિચાર કરો, હિન્દી ફિલ્મોમાં પંજાબી ગીતો કેટલાં બધાં આવી ગયાં ? એક આંગળીનું એક વેઢું બરાબર 20 ગીતોનો રેશિયો રાખો તોય વેઢાં ઓછાં પડશે. ‘લારી લપ્પા લારી લપ્પા, લારી લપ્પા લા…’થી લઈને આજકાલનાં ‘અખિયાનું રંજુ રુડ દૈ…’ જેવા જરાય ના સમજાય એવાં ગાયનો આવ્યા જ કરે છે.
એવું જ બંગાળી ગીતોનું છે. એસ.ડી. બર્મન અને આર.ડી. બર્મન બંગાળ-આસામની અનેક ધૂનો તથા અનેક બાઉલ-ગીતો (ભક્તિસંગીતનો એક પ્રકાર) હિન્દી ફિલ્મોમાં લઈ આવ્યા. વચ્ચેનો એક દાયકો આખો એવો હતો કે જો હીરો ગામડાનો હોય તો યુપી બિહારનાં બે-ચાર લોકગીત તો પરદા ઉપર આવ્યાં જ હોય.
મરાઠી લાવણીઓ અને અભંગ પણ વરસોથી હિન્દી ફિલ્મોમાં બે-ઝિઝક આવતાં રહ્યાં પરંતુ ગુજરાતના ગરબા તો ઠીક, ગુજરાતના છંદ, દૂહા, સનેડા, ભજન વગેરે પણ ભાગ્યે જ સંભળાયા. એ તો પાડ માનો સંજય લીલા ભણશાળીનો કે ‘રામલીલા’માં ઝવેરચંદ મેઘાણીનું ‘મન મોર બની થનગાટ…’ લઈ આવ્યા અને ‘નગાડા સંગ ઢોલ વાગે’ જેવો નવો ગરબો અદ્ભૂત કુરિયોગ્રાફી સાથે રજૂ કરીને આખા દેશમાં સુપરહિટ કરી બતાડ્યો.
આજકાલની નવરાત્રિ સિઝનમાં તો હિન્દી ફિલ્મોના ચાર-પાંચ ગરબા સામટા રમઝટે ચડ્યા છે. ‘ડ્રિમગર્લ’નો ‘રાધે રાધે રાધે…’ ‘મેઈડ ઈન ચાઈના’નો ‘ઓઢણી..’ ‘મિત્રોં’ ફિલ્મનો ‘કમ્મરીયા રે લોલ’ (ભમ્મરીયા ઉપરથી બનેલો), ‘રઈસ’નો ‘ઉડી ઉડી જાય’ અને ‘કાઈપો ચે’ (અંગ્રેજીમાં એવું જ લખે છે) ફિલ્મનો ‘હો શુભારંભ…’
દુઃખની અને આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા ચાર વરસમાં 250 જેટલી ગુજરાતી ‘અર્બન’ ફિલ્મો આવી ગઈ પણ એમાંથી કેટલી ફિલ્મોમાં ગરબા હતા ?
- ભઈ, કૂવામાં હોય તો હવાડામાં જાય ને !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment