કોંગ્રેસ બ્રાન્ડ મોબાઇલ !?


છાપાની હેડલાઈનમાં આ બે શબ્દો વાંચ્યા… ‘મોબાઈલ કોંગ્રેસ…’ કે તરત અમે ચોંકી ગયા !

કોંગ્રેસ અને મોબાઈલ ? (હરતી ફરતી ?) એ તો છેલ્લા સાત વરસથી સ્ટેટિક (સ્થગિત) થઈ ગઈ છે !

પછી સમાચારને વિગતે વાંચ્યા ત્યારે સમજાયું કે અહીં ‘કોંગ્રેસ’નો અર્થ થાય છે ‘મોટું સંમેલન’. (દિલ્હીમાં મોબાઈલ બનાવનારાઓનું સંમેલન હતું.)

છતાં, વિચાર આવ્યો કે ‘કોંગ્રેસ’ નામનો ‘મોબાઈલ’ હોય તો તે કેવો હોય ?

***

બ્રાન્ડ નેમ : કોંગ્રેસ મોબાઈલ

સિમ-કાર્ડ : 
ડ્યુઅલ સિમ-કાર્ડ, એક RG બ્રાન્ડનું અને એક SG બ્રાન્ડનું. જે RG બ્રાન્ડનું સિમ-કાર્ડ છે તે વચ્ચે વચ્ચે ગમે ત્યારે કામ કરતું બંધ થઈ જાય છે. અને SG બ્રાન્ડનું સિમ-કાર્ડ જુનું છે એટલે જુનાં ડબલાં જેવાં ફોનમાં જ એનું નેટવર્ક પકડાય છે.

***

નેટવર્ક : 

અહીં પણ બે જ ટાવર છે. RG અને SG. બન્નેની ‘પેરેન્ટ’ કંપની વળી એક જ છે. મુસીબત એ છે કે આ મોબાઈલના વિશ્વાસુ ગ્રાહકો બીજા કોઈ ટાવર પકડવા જ નથી માગતા. ક્યારેક તો 60 દિવસ સુધી કોઈ ટાવર વિના મોબાઈલ ‘ચાલે છે’ એવો ભ્રમ થાય છે.

***

ઓ.એસ. (ઓપરેટિંગ સિસ્ટમ) :

અહીં એન્ડ્રોઈડ કે વિન્ડોઝ જેવી અલગ અલગ ચોઈસ છે જ નહિ. કોંગ્રેસ મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ પેલા બે ટાવર જ છે, જે 10 જનપથમાં છે.

તમે ગમે તેને કોલ લગાડો, પહેલાં 10 જનપથમાં રીંગ જાય છે ત્યાંથી જો OK થાય તો જ કોલ-થ્રુ થાય છે. એમાંય, જો તમે ફોનમાં આ ઓપરેટિંગ સિસ્ટમની વિરુધ્ધ બોલો (કે બીજી કંપનીના વખાણ કરો) તો તમારો ફોન હેંગ (સસ્પેન્ડ) થઈ જાય છે.

***

ફીચર્સ :

70 વરસ જુનાં ફીચર્સ હજી ચાલે છે. ભારતના ઘણા રાજ્યોમાં ટાવર છૂટી જવા છતાં ત્રણ-ચાર રાજ્યોમાં ફરી ટાવર પકડાયા છે એટલે ફીચર્સ અપ-ડેટ થતાં જ નથી.

***

કિંમત :

વચમાં ‘72000નું કેશ-ફ્રી’ની સ્કીમ એનાઉન્સ થઈ હતી. પરંતુ હાલમાં એ સ્કીમ ખોરંભે પડી છે.

***

- મન્નુ શેખચલ્લી

Comments