ગયા અઠવાડિયે ન્યુઝ હતા કે ગુજરાતની કોર્ટોમાં પટાવાળાની તથા બેલિફ (નોટિસ બજાવનાર)ની 1149 નોકરીઓ માટે 5446 ગ્રેજ્યુએટોએ અરજી કરી હતી !
અરજી કરનારાઓમાં ડોક્ટરીનું ભણેલા, એન્જિનિયરીંગનું ભણેલા અને આર્ટ્સ, કોમર્સ તથા લૉ (કાયદાશાસ્ત્ર)માં ‘માસ્ટર્સ’ કરેલા ઉમેદવારો હતા ! બોલો...
લોકોને લાગે છે કે ભઈ, જુઓને બેકારી કેટલી વધી ગઈ છે ! ખરેખર ? અમને તો લાગે છે કે બેકારી નહીં, સાવ બેકાર કક્ષાનું થર્ડ ગ્રેડ, કશાય કામમાં ના આવે એવું શિક્ષણ વધી પડ્યું છે.
જે ભણતરની જરૂર છે એ તો ભણાવાતું જ નથી. એક સીદોસાદો દાખલો લઈએ.
જો ક્યાંક ‘ફિલ્મ-મેકીંગ’નો પાર્ટ-ટાઈમ કોર્સ પણ ચાલુ થાય તો ત્યાં તપાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પૂછે છે “કોણ ભણાવવા આવશે ? એમણે કેટલી ફિલ્મો બનાવી છે ?” જો કોઈ સરખા બાયો-ડેટાવાળા ટીચરો નહીં દેખાય તો સ્ટુડન્ટો એડમિશન નહીં લે.
હવે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની વાત કરો. શું કોઈ માઈનો લાલ ફી ભરતાં પહેલાં પૂછે છે કે અમને ગુજરાતી ભણાવનારા પ્રોફેસરે કેટલી નવલકથા લખી છે ? કેટલી ગઝલો લખી છે ? એમની કેટલી વાર્તાઓ છપાઈ છે ?
સાયન્સમાં ‘માસ્ટર્સ’ કરનારાઓ પણ ફી ભરતાં પહેલાં પૂછે છે ખરા, કે ‘અમને ભણાવનારાઓમાંથી એકાદ તો ‘વૈજ્ઞાનિક’ હશે કે નહીં ? એવું જ એન્જિનીયરીંગનું છે. ભણાવનારાઓમાં‘પ્રેક્ટિસિંગ’ એન્જિનિયરો’ કેટલા ? (હોય તો માસ્તરી કરે?) લૉ કોલેજના પ્રોફેસરો મામૂલી ડિસ્ટ્રીક્ટ કોર્ટના ય વકીલો નથી હોતા. (હોય તો અહીં ટાઈમપાસ કરવા આવે?)
બીજી તરફ જ્યાં લાખોની સંખ્યામાં રોજગારી સર્જાઈ છે એવા હીરા ઉદ્યોગની વાત કરો. સુરતમાં આખેઆખા વરાછા વિસ્તારમાં વસતાં હજારો કુટુંબો ડાયમન્ડ પોલિશીંગ કારીગરોની આવક પર નભે છે. આ હીરાના કારીગરો ક્યાંથી આવ્યા ? શું કોઈ જોરદાર ‘ડાયમંડ કોલેજો’ ચાલતી હતી ?
એમ તો ભઈ, આખા ગુજરાતમાં કમ સે કમ 50 લાખ પાનના ગલ્લા હશે. બધા ગલ્લા ચાલે છે અને ગલ્લાવાળાનાં ઘર પણ ચાલે છે. તો શું એ બધા ઉચ્ચતર ‘ગલ્લા-શિક્ષણ’ મેળવીને આવ્યા?
આજકાલ શહેરોમાં ઓછું ભણેલા છતાં મહેનતું યુવાનો બે ફીલ્ડમાં ઝડપભેર આવી ગયા છે.
એક તો ‘ઓલા-ઉબેર’ જેવી ટેક્સીઓ ચલાવવામાં અને બીજા ‘સ્વીગી-ઝોમેટો’ જેવી કંપનીઓના ડિલીવરી બોય્ઝના કામમાં. માત્ર લખતાં વાંચતા અને વાહન ચલાવતાં આવડે (અને ઈમાનદારીથી, કોઈજાતના ફાંકા વિના) મહેનત કરતાં ફાવે તો મહિને 20થી 30 હજારની આવક મેળવી શકાય છે.
આટલા બધા ગ્રેજ્યુએટો પેલી પટાવાળા જેવી મામૂલી નોકરી કરવા માટે દોડી આવ્યા એનો મતલબ શું થયો ? એ જ કે એ બબૂચકોને આખી એજ્યુકેશન સિસ્ટમે ઉલ્લુ બનાવ્યા ! બધા પાસેથી બે-અઢી લાખની ફી લઈ લીધી અને પછી ? ડીંગો !
એક બાજુ આવા ‘ઓવર-ક્વોલીફાઈડ’ (મારા હિસાબે દોઢ-ડાહ્યા) લોકો છે અને બીજી બાજુ જ્યાં જરૂર છે ત્યાં સરખા માણસો નથી મળતા.
અમારી પત્રકારત્વની લાઈનની જ વાત કરીએ તો અહીં સળંગ દસ વાક્યો માત્ર એક જ ભાષામાં, વ્યાકરણની ભૂલ વિના, લખી અથવા બોલી શકે એવા છોકરા/છોકરીઓ ’હજારે એક’ મળે છે !
પણ એક મિનિટ ! પોલિટિક્સની લાઈનમાં આજકાલ ચાંદી જ ચાંદી છે. જરા મોદી સાહેબને કહો કે ‘બેચલર્સ ઈન પોલિટિક્સ’ ના કોર્સ ચાલુ કરે.... શું કહો છો !
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment