અમદાવાદથી ગુમ થયેલા યુવક યુવતી શિવમ્ અને વૃષ્ટિ હિમાચલ પ્રદેશના કસોલ વિસ્તારમાંથી મળી આવ્યાં....
બિચારી પોલીસે 11 દિવસ લગી દોડધામ કરી, ટીવી ચેનલોએ 24 x 7 એમની ચિંતાઓ કરી, લોકોએ પોતાનાં સંતાનોની ના પૂછી હોય એટલી એમની ખબર પૂછી... અને છેવટે શું થયું?
ના કેસ નોંધાયો, ના ફરિયાદ થઈ. બસ, બિચારી પોલીસની ટીમ ગઈ હતી એવી પાછી ફરી ! આને કહેવાય : “ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બાર આના !”
અમને તો લાગે છે કે આની ઉપરથી એક જોરદાર ફિલ્મ બની શકે છે...
***
ટાઈટલ્સ...
ટ્વિટર- ઘેલા ફોલોઅર્સ કોર્પોરેશન
અને પંચાત એન્ટરટેઈનમેન્ટ રજુ કરે છે...
“ટ્વિટર કા પ્રેશર....” એક નિકમ્મી દાસ્તાન
***
દ્રશ્ય – 1
નવરી બેઠેલી હોહા અલી નામની અભિનેત્રી પોતાનો મોબાઇલ મચડતાં મચડતાં ટ્વિટ કરે છે : “અમદાવાદની એક યુવતી એના ઘરેથી ગાયબ છે. એના મમ્મી અમેરિકામાં ચિંતા કરે છે...”
પછી બીજું મોટું બગાસું ખાઈને તે પોતાના મિડિયા મેનેજરને ફોન કરે છે :
“સુનો, મેરા ટ્વિટર ફોલોઈંગ બઢાને કા એક ગ્રેટ આઈડિયા આયા હૈ ! યે મેરા ટ્વિટ તુમ મિડિયા તક પહુંચા દો....”
***
દ્રશ્ય – 2
મોટા વીઆઈપીઓની ગુજરાત મુલાકાત અને નવરાત્રિના પોલીસ બંદોબસ્તોમાં છેક મોડી સુધી જાગતા રહેનારા પોલીસ અધિકારી સવારે છાપું વાંચી રહ્યા છે.
એમાં ક્યાંક ‘ઊંઘતું પોલીસતંત્ર’ એવું લખ્યું છે ત્યાં કેમેરો ઝૂમ-ઈન થાય છે. ત્યાં જ અધિકારીનો ફોન ધણધણી ઊઠે છે :
”સાંભળો, અમદાવાદથી એક યુવતી ગુમ થઈ છે ! હોહા અલી ખાને ટ્વિટરમાં લખ્યું છે! ઉપરથી, ‘ઉપરથી’ પ્રેશર આવ્યું છે. ઝડપથી કંઈ કરો...”
***
દ્રશ્ય – 3
વિવિધ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કરનારા બે પોલીસમેનો બેઠા છે. બાજુમાં પડેલા છાપામાં ક્યાંક ‘ઊંઘતું પોલીસતંત્ર’ એવું લખેલું છે, ત્યાં કેમેરો ઝૂમ-ઈન થાય ત્યાં તો અહીં પણ ફોન ધણધણી ઊઠે છે :
“સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ? કંઈ મળ્યું?”
“સર, છેલ્લા ચોવીસ કલાકના ફૂટેજ ચેક કર્યા છે.”
“છેલ્લા અડતાલીસ કલાકના ફૂટેજ ચેક કરો ! ચેક કરતાં કેટલી વાર લાગે ?”
“સર, જેટલા કલાકના ફૂટેજ હોય એટલી વાર તો લાગે ને ?”
“કરો... કરો... જલ્દી કરો ! ઉપરથી પ્રેશર છે...”
***
દ્રશ્ય – 4
સતત અડતાલીસ કલાક લગી મોનીટરો સામે બેસીને ઉજાગરા કરી ચૂકેલી પોલીસ ટીમને કંઈક મળ્યું છે. તેઓ વારંવાર એ ફૂટેજ ચેક કરી રહ્યાં છે.
ત્યાં ખાધેલા ભજીયાના છાપામાં ક્યાંક ‘ઊંઘતું પોલીસતંત્ર’ લખ્યું છે. કેમેરા તે તેરફ ઝૂમ-ઈન થાય એ પહેલાં જ ફોન ધણધણી ઊઠે છે.
“શું થયું ? કંઈ મળ્યું ?”
“જી સર, રેલ્વે સ્ટેશનના ફૂટેજમાં બે જણા દેખાયા છે. લાગે છે કે એ લોકો ઉત્તર ભારત તરફ જતી કોઈ ટ્રેનમાં ગયા છે.”
***
દ્રશ્ય – 5 અને 6
આ તરફ અમદાવાદથી રવાના થયેલી ટીમ ઠેર ઠેર પૂછ-પરછ કરતી, મામૂલી હોટલોમાં ખપ-પૂરતો આરામ કરીને ફરી આગળ વધતી જઈ રહી છે...
પેલી તરફ એક થ્રી સ્ટાર હોટલમાં રોકાયેલાં યુવક-યુવતી ટીવીમાં પોતાના ન્યુઝ જુએ છે ! પછી થ્રીલથી રાજી થતાં હવામાં મુઠ્ઠીઓ ઉગામીને એકબીજાને તાળીઓ આપે છે !!!
દ્રશ્ય - 7
હોહા અલીની ટ્વિટર માં વધતી જતી ફોલોઅર્સની સંખ્યા જોઈને બીજી અડધો ડઝન નવરી એક્ટ્રેસો વિચારી રહી છે ....
'હું એવું શું ટ્વિટ કરું કે મિડિયામાં મારું નામ બોલાય, નવરી પબ્લિક પંચાત કર્યા કરે, અને પોલીસ 24×7 હેરાન થાય છતાં મને કોઈ જ સજા ના થાય...'
(પિકચર અભી બાકી હૈ,
મગર એન્ડ આપ કો પતા હૈ !
જય ટ્વિટર માતા કી !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment