દરેક ફિલ્ડમાં દૂધપૌંવા !


આજે શરદપૂનમ છે. આજે દૂધપૌંવા ખાવાનો રીવાજ છે. દૂધપૌંવા એટલે શું ખબર છે ને ?

છોકરાંઓ રમતાં હોય એમાં વચ્ચે સાવ નાનાં ટેણિયાંઓને માત્ર ‘એમના મનોરંજન’ માટે રમાડવા પડે એને ‘દૂધપૌંવા’ કહેવામાં આવે છે.

જોવાની વાત એ છે કે દેશના દરેક ફિલ્ડમાં ‘પુખ્ત વયનાં દૂધપૌંવા’ હોય જ છે.

***

રાજકારણના દૂધપૌંવા

રાહુલબાબા દેશના સૌથી ફેમસ અને સૌથી અનુભવી દૂધપૌંવા છે !

અહીં તો એવું છે કે ટીમ મમ્મી-પપ્પાની, બોલ-બેટ મમ્મી-પપ્પા-નાની-નાનાનાં, ગ્રાઉન્ડ તો એમના બાપદાદાનું અને આખેઆખી રમવાની કીટ પણ એમની જ !

રમો હોં… બાબા ! રમો ! રાહુલબાબાની સ્હેજ કટ અડે એટલે ચોગ્ગો ગણાય અને સત્તર વખત આઉટ થાય તોય નોટઆઉટ !

***

ક્રિકેટમાં દૂધપૌંવા

આમા સૌથી વધુ સંખ્યામાં દૂધપૌંવા ખેલાડીઓ તમને IPLમાં જોવા મળશે. સિનિયર ક્રિકેટરોના દિકરા, ભાણિયા, ભત્રીજા ઉપરાંત BCCI કે પોલિટિક્સમાં છેડા અડતા હોય એવા કરોડપતિ બાપાઓનાં બાબલાઓને ફિક્સ થયેલી મેચોમાં રમાડીને તાળીઓ પડાવવામાં આવે છે.

એમાંથી ઋષભ પંત નામનો બાબલો તો ‘સ્ટાર દૂધપૌંવા’  બની ગયો છે ! એ સળંગ એક ડઝન ઈનિંગમાં ફ્લોપ જાય તો પણ એને ‘ટેલેન્ટેડ’ ક્રિકેટર ગણવામાં આવે છે !

***

ફિલ્મ લાઈનના દૂધપૌંવા

અહીં તો તમને ડઝનના ભાવે દૂધપૌંવા જોવા મળશે.

સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન હવે વાસી દૂધપૌંવા થઈ ગઈ છે. છતાં તે વૃષ્ટિ નામની કોઈ યુવતી માટે કંઈ ટ્વિટ કરે તો બિચારી પોલીસ ધંધે લાગી જાય છે. (છેવટે તો ‘ગાંવ મેં ઢીંઢોરા અને બગલમેં છોરા’ જેવું જ નીકળ્યું !)

એકતા કપૂરનો ભાઈ તુષાર કપૂર સૌથી લાંબા સમય સુધી ટકેલો દૂધપૌંવા છે.

સની દેઉલનો બાબો ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી લેટેસ્ટ દૂધપૌંવો છે. (શું નામ એનું?)

સૈફ અલી ખાનની દીકરી, (શું નામ એનું?)

પ્રોડ્યુસર વાસુ ભગનાનીનો છોકરો, (શું નામ એનું?) સુનીલ શેટ્ટીની કઢંગી દિકરી, (શું નામ એનું?) હુમા કુરેશીનો ભાઈ (શું નામ એનું ?)

… અને અભિષેક બચ્ચન ! સૌથી વધુ ‘નામી’ દૂધપૌંવા !

***

મન્નુ શેખચલ્લી

Comments