યાર, વરસાદ તો હજી અટકવાનું નામ નથી લેતો ! છતાં આપણી સેન્સ-ઓફ-હ્યુમર બરકરાર છે... જુઓ થોડા શબ્દ-કાર્ટૂનો.
***
ભાડાનું ઘર
મકાનમાલિક નવા ભાડૂઆતને ઘર બતાડવા લાવ્યો છે. છતમાંથી ટપકતું પાણી બતાડીને કહે છે :
“જોયું ? પાણી અહીં ચોવીસે કલાક ચાલુ હોય છે !”
***
ઓફિસ
ઘૂંટણ સુધીના પાણીમાં પલળીને આવેલો કર્મચારી બોસને કહે છે !
“પેટ્રોલ ભથ્થું તો ઠીક છે, પણ હવે હોડી-ભથ્થું નક્કી કરો ! આ તો રોજનું થયું...”
***
ફૂટપાથ
બે ચાર નવરા જુવાનિયા ફૂટપાથના ખૂણે બેઠા બેઠા રસ્તે પસાર થતી પલળેલી યુવતીઓને રસપૂર્વક નિહાળતા બેઠા છે. એમાંનો એક કહે છે :
“છોડ યાર, તીન ઘંટા ઈધરી ચ બૈઠતે હૈ... પિકચર દેખને કા પ્રોગ્રામ કેન્સલ !”
***
બિઝનેસ
બહાર વરસતા વરસાદમાંથી પલળીને આવેલા બોસ તેની સેક્રેટરીને કહે છે :
“ફટાફટ મારી વિગ સૂકવવાની વ્યવસ્થા કરો ! હમણાં દસ મિનિટમાં આપણી કંપનીનું હેર ઓઈલ એક્સપોર્ટ કરવા માટેની મિટિંગ છે !”
***
નેતાજી
એક નેતાજી પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર ચહેરા સાથે ગંભીર નિવેદન કરી રહ્યા છે :
“અમારી વરસો જૂની યોજના હતી કે શહેરોમાં પડતા વરસાદી પાણીનો સંગ્રહ થવો જોઈએ.. આજે તમે જોઈ શકો છો કે અમારા પ્લાનિંગને લીધે આજે શહેરમાં માંડ બે ઇંચ વરસાદ પડે તોય 100 ઠેકાણે પાણીનો સંગ્રહ થઈ જાય છે !”
***
શૂટિંગ
એક હિરોઈન ઉપર પ્રોડ્યુસરનો ફોન આવે છે :
“મેડમ, વરસાદને કારણે રસ્તામાં પાણી ભરાઈ ગયાં હોવાથી તમે વરસાદમાં વરસાદ ડાન્સ કરો છો એ ગાયનનું શૂટિંગ કેન્સલ છે !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment