‘હાઉસફૂલ-4’ને મોટા ભાગના વિવેચકોએ વખોડી કાઢી છે. એનું કારણ સિમ્પલ છે. વિવેચકોને હંમેશા ‘અઘરી’ ફિલ્મો જ વધારે ગમતી હોય છે. (અમુક વિવેચકો તો જે ફિલ્મને કોઈ એવોર્ડ મળી ગયો હોય તેને જોયા પહેલાં જ તેના માટે ખિસ્સામાં 4-5 સ્ટાર રાખીને ફરતા હોય છે)
જોકે એનો મતલબ એમ નથી કે ‘હાઉસફૂલ - 4’ અઘરી ફિલ્મ નથી ! અરે, એમાં તો શરૂઆતથી એન્ડ સુધી કબૂતર તથા માનવીની ‘અઘાર’ (Shit)ની જ વાત આવે છે !
ફિલ્મમાં નીલ નિતિન મુકેશે ત્રણ કબૂતરોનો ટ્રિપલ રોલ કર્યો છે ! એમને કોઈ ડાયલોગ્સ નથી મળ્યા એટલે એની ભરપાઈ કરવા માટે અક્ષયકુમાર વારંવાર એમને રિક્વેસ્ટ કરે છે : “પ્લીઝ હગો... હગો....”
આ સિવાય પણ ફિલ્મમાં અનેક વાતો ખુબ જ વખાણવા જેવી છે....
***
અદ્ભૂત કાવ્યાત્મક ગીતો
ફિલ્મનાં ગીતો જેણે પણ લખ્યાં છે તે અભિનંદનને પાત્ર છે કારણ કે અહીં શબ્દે શબ્દે ‘સમજાય’ તેવા શબ્દો છે ! (આજકાલનાં અમુક ગાયનોનાં શબ્દો સમજાય તેવા તો ઠીક, ‘સંભળાય’ તે રીતે પણ નથી ગવાતાં.) જુઓ, કાવ્યાત્મક ચમત્કૃતિના નમૂના !
“આ મેડમ ગોગલ-વાલી, ડોન્ટ ગો યૂં દે કે ગાલી...
ગુંડો સે છૂડાયા હૈ, મૈંને તૂઝે બચાયા હૈ...
હાં પૂછ લે સામને જનતા હૈ...
એક ચુમ્મા તો બનતા હૈ...”
“બાલા, બાલા, બાલા, બાલા, બાલા ...
(16 વાર બોલવાનું છે)
સબ કહતે મુઝે શૈતાન કા સાલા...
બોલે બેટી મૌસી ખાલા...
ખુદ કી દિવાલી ઔરો કા દિવાલા,
છિછોરી પાઠશાલા, ધ કીડા ઓફ નાલા !”
વધુ એક નમૂનો જુઓ. આ ગાયનનું મુખડું ફિલ્મના હીરો બોબી દેઉલના પપ્પાનાં ખાસ ડાયલોગ વડે બન્યું છે : “બંદલાં.... બંદલાંઆઆઆ.... બંદલાંઆઆઆઆ....”
“ન બદલા તૂ, ન બદલા વો, ન બદલા મૈં,
અગર કુછ બદલા હૈ તો કમબખ્ત વક્ત હૈ બદલા...”
“પહલે થા કબૂતર, અબ હૈ ટ્વીટર,
પહેલે થી બુક, અબ હૈ ફેસબુક,
પહલે થા ટેલિગ્રામ, અબ હૈ ઈન્સ્ટાગ્રામ,
પહેલે થી જાદૂ કી ઝપ્પી,
અબ હૈ વિડીયો કોલ પે પપ્પી...
ક્યું કી, સબ કુછ - ”
“બદલા બદલા બદલા, બદલા બદલા બદલા....”
(આવું 48 વાર બોલવાનું છે ! બોલો, કવિ કેવા ખિલ્યા છે, નહીં ?)
***
કાવ્યાત્મક સંવાદો
ફિલ્મની સ્ટોરી આજથી 600 વરસ પહેલાં એટલે કે છેક 1419માં શરૂ થાય છે. અહીં ‘સિતમગઢ’ નામનું એક રજવાડું છે. અહીંના લોકો સડેલા સંવાદો વડે વિવેચકો ઉપર ‘સિતમ ઢાવવાનું’ કામ કરતા હોવાથી આજે પણ વિવેચકોને હાઉસફૂલ-4 ગમતી નથી.
ફિલ્મમાં ‘સિતમગર’ સંવાદોની ભરમાર છે જેમ કે
“મૈં અબલા હું, તબલા નહીં... મુઝે મત પીટો !”
“બાઈસ કે પહલે કૌન સી તારીખ આતી હૈ ? ઈક્કીસ ! બસ, તો અબ ઈક કીસ તો બનતી હૈ !”
“કિસ મુંહ સે ધન્યવાદ કરું આપ કા ? અરે, ઈસી મુંહ સે કર દિજીયે !”
એ તો ઠીક પણ છેક 1419માં આ લોકોને ખબર હતી કે એમના અમુક સંવાદો ઉપરથી સુપરહિટ ગાયનો બની શકે છે ! તેથી અહીં આવા સંવાદો છે :
“જાતી હું મૈં.” “જલ્દી હૈ ક્યા ?”
“અરે, ઈન શબ્દોં કો તો સંગીત મેં ઢાલના ચાહિયે !”
“અરે, સુનો ?” “હાં, કહો !” “લો કહા..” “હાં સુના !” “કુછ હુઆ ક્યા ?”...
“અરે, ? ઈન શબ્દોં કો તો સંગીત મેં ઢાલના ચાહિએ !”
***
શું નથી જોવાનું ?
જોવાની વાત એ છે કે આ દિવાળીએ આ કાવ્યાત્મક કૃતિ ૧૦૦ કરોડનો વકરો ખેંચી જશે. એનાથી સાબિત થઈ જશે કે લોકોને કલાની કેટલી કદર છે. પરંતુ શું નથી જોવાનું...
ભવ્ય સેટિંગ્સ, જોરદાર VFX, મજેદાર ફાઈટ્સ,
અજીબો-ગરીબ ફની સ્ટેપ્સવાળી કુરિયોગ્રાફી... આવું બધું જોવાનું જ નથી... પણ કોણે ? વિવેચકોએ !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment