મુશ્કેલ, વધુ મુશ્કેલ, અત્યંત મુશ્કેલ....


કહે છે કે પતવા આવેલી ટૂથપેસ્ટમાંથી પેસ્ટ કાઢવી મુશ્કેલ છે. એનાથી વધુ મુશ્કેલ કામ એ છે કે બહાર કાઢેલી પેસ્ટને ટૂથપેસ્ટમાં નાંખી આપવી !

આ તો કંઈ નથી. જીવનમાં અમુક કામો તો ‘અત્યંત મુશ્કેલ’ હોય છે..

***

મુશ્કેલ…

વાહનમાં દર મહિને 2000 થી 10000 રૂપિયાનું પેટ્રોલ પુરાવવું મુશ્કેલ જ છે.

વધુ મુશ્કેલ…

એમાં વળી હવે ટ્રાફિક નિયમોનો ભંગ થઈ જાય તો હવાલદાર સાથે સસ્તામાં માંડવાળી મુશ્કેલ થઈ ગઈ છે !

અત્યંત મુશ્કેલ…

અને સૌથી મુશ્કેલ તો એવું માની લેવાનું છે કે બોસ, વાહનોનાં વેચાણમાં 36 ટકાનો ઘટાડો થયો છે !

***

મુશ્કેલ…

ઘમંડી છતાં રૂપાળી ગર્લફ્રેન્ડને મોંઘી રેસ્ટોરન્ટમાં લઈ જવા માટે પટાવવાનું મુશ્કેલ છે.

વધુ મુશ્કેલ…

ત્યાં ગયા પછી ગર્લફ્રેન્ડ જાણી જોઈને મોંઘામાં મોંઘી વાનગીઓ ઓર્ડર કરે ત્યારે ગુસ્સા પર કાબૂ રાખવાનું વધારે મુશ્કેલ છે.

અત્યંત મુશ્કેલ…

ગર્લફ્રેન્ડ જ્યારે એ જ વાનગી સ્હેજ ચાખીને મોં બગાડીને સાઈડમાં મુકી દે… ત્યારે બિલ ચૂકવવાનું અત્યંત મુશ્કેલ હોય છે !

***

મુશ્કેલ…

પત્ની વજન ઘટાડવાનો ‘નિર્ધાર’ કરે ત્યારે તેને કંઈપણ સલાહ આપવી મુશ્કેલ છે.

વધુ મુશ્કેલ…

એ પછી પત્ની 1500 રૂપિયા ખર્ચીને ‘લૉ-કેલેરી ડાયેટ રેસિપી’ની ચોપડી ખરીદી લાવે ત્યારે ‘યાર, એના કરતાં સાદા ખાખરા ખા ને ?’ એવી સલાહ આપવાનું વધારે મુશ્કેલ છે.

અત્યંત મુશ્કેલ…

જ્યારે એ જ રેસિપી-બુકમાંથી પત્ની કંઈ મહા-બેસ્વાદ વાનગી બનાવે અને ડિનરમાં તમને એ જ ચીજ પીરસે, ત્યારે તે પેટમાં ઉતારવી ખરેખર કેટલી મુશ્કેલ છે !

***

મુશ્કેલ…

બેસવાની જગાએ ફોડલી થઈ હોય ત્યારે ગમે ત્યાં બેસવું મુશ્કેલ જ હોય છે.

વધુ મુશ્કેલ…

જાહેર સ્થળે ફોડલીમાં ખંજવાળ આવે ત્યારે પેન્ટના પાછલા ખિસ્સામાં હાથ ખોસીને બરોબર એ જ જગ્યાએ ખંજવાળવું વધારે મુશ્કેલ છે.

અત્યંત મુશ્કેલ…

પરંતુ એ જ ફોડલી ઉપર, અરીસામાં જોઈને, જાતે જ બેન્ડ-એઈડ લગાડવાનું તો સૌથી મુશ્કેલ છે !

- જીવનમાં તમામ મુશ્કેલીઓથી બચતા રહો તેવી શુભેચ્છા..

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments