આમ તો ભારત-પાક વચ્ચે પરમાણુ-યુધ્ધ થવાનું નથી, પણ ભલું પૂછવું, ઈમરાનખાનની ખોપડીનો કંઈ ભરોસો નહીં !
તો આવી સ્થિતિમાં શું કાળજી રાખવી ?
***
કાળજી – 1
આપણા અમદાવાદ-વડોદરામાં કંઈ બંકરો થોડાં હોય ? છતાં એક કામ કરો, જો યુધ્ધ જેવું લાગે તો મોલ તથા મલ્ટિપ્લેક્સોનાં પાર્કિંગમાં બિસ્તરા-પોટલાં લઈને પહોંચી જવું !
- ત્યાં પણ બેઝમેન્ટ – 1 કરતાં બેઝમેન્ટ-2 વધારે સેફ કહેવાય.
***
કાળજી-2
પરમાણુ બોમ્બનાં રેડિએશનોથી બચવા શું કરવું તેના ઉપાયો આપણા આયુર્વેદમાં હશે જ ! કારણ કે એ વખતે પણ અગ્નિસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર વગેરેનો ઉપયોગ થતો જ હતો ને ?
- તો થોડી ધીરજ રાખો, વોટ્સ-એપ કે ફેસબુકમાં એના ઉપાયો તો આવશે જ ! એ સેવ કરી રાખજો.
(ફોરવર્ડ કરવા તો કામમાં આવશે ને ?)
***
કાળજી – 3
ન કરે નારાયણ, તમે મરી જાવ તો ?
એટલા માટે તમારી વીમા પોલીસી, તમારું વસિયતનામું, તમારી પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ, તમારા બેન્કની ડીટેઈલ્સ, સેઈફ-વોલ્ટની ચાવી એવું બધું એક વોટરપ્રુફ ફાયરપ્રુફ કોથળીમાં મુકીને પત્નીને આપીને, એની બીજી કોપી તમારી પાસે રાખો.
પણ હા, તમારા મોબાઈલનો પાસવર્ડ પત્નીને ના આપતા... ભલું પૂછવું, તમે ખાલી બેહોશ જ થયા હો તો ?
***
કાળજી – 4
તમારા મેડિક્લેઈમમાં, ઈન્શ્યોરન્સ ક્લેઈમમાં ‘પરમાણુ-યુધ્ધ’ એવા શબ્દો છે કે નહિ ? ચેક કરાવી લો.
બાકી ‘ભોંયરામાં અતિશય ધક્કામુક્કીમાં કચડાઈ જવાથી મોત’ અથવા ‘બેફામ સ્પીડે નાસ-ભાગ કરી રહેલાં વાહન સાથે અકસ્માતથી મરણ’... એવા કિસ્સામાં તો ક્લેઈમ મળી જ જશે.
***
કાળજી – 5
આ મેઈન છે. ભોંયરામાં બેઠા હો ત્યારે ‘મોદીના લીધે જ આપણે સહન કરવું પડે છે....’ એવું ભૂલેચૂકે ના કહેતા ! નહિતર દેશભક્તોનું ભલું પૂછવું, એ લોકો ગમે ત્યાં પહોંચી જાય એવા છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment