ટ્રાફિક દંડમાં 'કેશબેક' આપો !


આપણા નિતિન ગડકરી સાહેબ ભલે માત્ર વાહન વ્યવહાર મંત્રાલયના મિનિસ્ટર રહ્યા પરંતું એમનું ધ્યાન ‘માર્ગ’ કે ‘વાહન’ ઉપર તો છે જ નહીં !

ટોટલ ધ્યાન તો દંડના ‘વ્યવહાર’ ઉપર છે, બોસ !

ભલે એમણે દંડમાં 900 ટકાથી 2000 ટકાનો વધારો કરી નાંખ્યો, (બિચારો GDP 5 ટકે ઊભો ઊભો રડે છે !) પરંતુ બિચારા વાહન ચાલકોને નિયમો પાળવાનું પ્રોત્સાહન મળે એટલા માટે થોડી ‘કેશ-બેક’ સ્કીમો હોવી જોઈએ…

***

ફોટા પાડો, કેશબેક મેળવો

માત્ર I. K. જાડેજા સાહેબ કોઈ રોડનો ફોટો ‘શેર’ કરીને રિપેરિંગ કરાવી લે, તે કેમ ચાલે ?

સ્કીમ એવી રાખો, કે જે વાહનચાલક રોડમાં પડેલા ખાડાનો ‘પોતે’ પાડેલો ફોટો બતાડે તેને 500 રૂપિયા કેશ-બેક !

એટલું જ નહિ, જ્યાં સુધી રોડ રિપેર ન થાય ત્યાં સુધી રોજના 500 રૂપિયા કેશ-બેક મેળવી શકો છો !

(તમે પૂછશો કે ભઈ, આના પૈસા ક્યાંથી આવશે ? તો જવાબ સિમ્પલ છે. 60 ટકા કોન્ટ્રાક્ટર પાસેથી લેવાના અને 40 ટકા જે એન્જિનિયરે બિલ પાસ કર્યું હોય તેની પાસેથી લેવાના.)

***

પીયુસી કેશ-બેક

આપણે PUCનાં સર્ટિ. લઈ લઈને ફરવાનું નહીં ! જો પોલીસ ચેક કરે અને OK નીકળે તો 2000 રૂપિયા કેશ-બેક ! આવી જાવ…

(આના પૈસા ધૂમાડા છોડતાં એ વાહનો પાસેથી વસૂલ કરવાના, જે દર મહિને હપ્તા આપે છે.)

***

ઈન્શ્યોરન્સ કેશબેક

દેશભરમાં આજે 25 લાખથી વધુ વાહનો છે. એમાંથી માંડ 10,000 વાહનો અકસ્માત કરે છે. તો બાકીના 24 લાખ 90 હજાર વાહનોને એમના વાર્ષિક પ્રિમિયમ ઉપર 50 ટકા 'સેફ-ડ્રાઈવીંગ'નું કેશબેક આપો ને !

(આના ‘ભાગે પડતા’ પૈસા પેલી ‘વ્યવહાર મિનિસ્ટ્રી’ એ આપવાના કે નહીં ? બોલો.)

***

સમર હેલ્મેટ કેશબેક

માથું ફાડી નાંખે એવી ગરમીમાં પણ જે વાહનચાલક હેલ્મેટ પહેરીને નીકળે તેને કેશબેક નહીં, ‘મહાન દેશભક્ત’નું સર્ટિફીકેટ પણ આપો !

***

- મન્નુ શેખચલ્લી

Comments