ગયા અઠવાડિયે V S ગાયતોંડે નામના એક કલાકારનું પેઈન્ટિંગ 26.9 કરોડ રૂપિયામાં વેચાયું ! M F હુસૈનના સૌથી મોંઘા પેઈન્ટિંગની કિંમત 9.8 કરોડ છે.
જસ્ટ વિચાર કરો, આ પેઈન્ટરોની સરખામણીમાં આપણા બીજા કલાકારોની ‘કદર’ કેમ નથી થતી ? વેલ, એનાં ઘણાં કારણો છે...
***
સાહિત્યકારની કદર
કોઈ સાહિત્યકારની કદર કરવા માટે શું કરવું પડે ? એનું પુસ્તક ‘વાંચવું’ પડે ! અચ્છા, વાંચ્યા પછી તમારી ‘વાહવાહ’ થાય ? ના ! સાહિત્યકારની ‘વાહવાહ’ થાય ? શી ખબર..
તો સાહેબો રસ્તો શું છે ? એ લેખક કોઈ સમારંભમાં આવ્યા હોય તો એમને ‘સાંભળવા’ જવાનું ! (વાંચવાની જફા મટી.) વળી, લેખક જરા વાણીશૂરા હોય તો તાળીઓ પડાવે, હસાવે, વગેરે... પણ ભાષણમાં ફીક્કા હોય તો ? કદર કરવામાં લોચા...
***
કવિની કદર
કવિતાની ચોપડી તો પાતળી પણ હોય અને સસ્તી પણ હોય પરંતુ ‘સમજવી’ બહુ અઘરી ! તો શોર્ટ-કટ શું ? કવિ-સંમેલનમાં જવું ! કવિની કવિતાને ‘વાહવાહ...’ ‘ક્યા બાત હૈ...’ ‘દુબારા...’ એમ કહીને દાદ આપવાની !
પણ પછી શું ? તમે કોઈ કવિ કે સાહિત્યકારનો ફોટો તમારી ડ્રોઈંગરૂમની દિવાલે લટકાવી તો નહીં જ રાખો ને ? (જો લટકાવો તો તમે કેવા લાગો ? વિચારી જોજો.)
***
નાટ્ય કલાકારની કદર
અગેઈન, સેઈમ પ્રોબ્લેમ ! જોવા બેસવું પડે ! વળી જે નાટક હસાવે, રડાવે કે ખુશ કરી દે એને કંઈ ‘કલાત્મક’ થોડું કહેવાય ?
ધારો કે કોઈ કલાકાર / દિગ્દર્શક ઉપર તમે ઓવારી ગયા, તો શું, 500 રૂપિયાની ટિકિટ લઈને એને પર્સનલી 5000નું ઈનામ આપશો ? બસ, પાંચ હજાર ?
***
ફિલ્મ કલાકારની કદર
આમાં થોડું સહેલું છે. તમે કોઈ મોટા ફિલ્મ સ્ટારને તમારા ઘરના લગ્ન પ્રસંગમાં નાચવા માટે બોલાવી શકો. જોકે એ નાચીને જતો રહે પછી શું ? બધાને એની વિડીયો કલીપ જ ફોરવર્ડ કરાય ને ?
અમુક અતિશય ધનવાન લોકો પોતાના ઘરના લગ્ન પ્રસંગે ફિલ્મસ્ટારોને પીરસણિયા તરીકે બોલાવે છે... એમાં ય પ્રોબ્લેમ એ કે એ જતા રહે પછી લોકોને શું બતાડવાનું ? દાળની તપેલી અને કડછો ?
***
શાસ્ત્રીય સંગીત કલાકારની કદર
આ બહુ સહેલું છે. ખાસ કશું સમજવાની જરૂર ન પડે. રંગીન ઝભ્ભા, બાફ્ટા સિલ્કની સાડી એવું બધું પહેરીને જવાનું... બેઠાં બેઠાં ગરદન હલાવવાની અને સૌ તાળી પાડે ત્યાં તાળીઓ પાડવાની ! બટ અગેઈન, લોકોને શું બતાડવાનું ? શાસ્ત્રીય સંગીતની ડીવીડી ?
***
પેઈન્ટિંગ કલાકારની કદર
જોયું ? હવે સમજાયું ? પેઈન્ટિંગ એટલા માટે બેસ્ટ છે કે એમાં સમજાતું ના હોય તોય કોઈને આપણે સમજાવવું પડતું નથી ! બીજું, પેઈન્ટિંગ ચૂપચાપ પડ્યું રહે છે. કોઈ માનસિક ત્રાસ કે શારીરિક તકલીફ આપતું નથી ! એને જોવા માટે ત્રણ કલાક બેસી નથી રહેવું પડતું અને...
- એની ‘રિ-સેલ’ વેલ્યુ છે !
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment