ટ્રાફિક દંડમાં સલાહ - સમજુતી !

ગુડગાંવમાં એક કાકા 15000 રૂપિયાનું ઠાઠીયું સ્કુટર લઈને જતા હતા. એમને હેલ્મેટ વિના, લાયસન્સ વિના, પીયુસી વિના અને આરસી બુક વિના સ્કુટર ચલાવવા બદલ 23000 રૂપિયાનો દંડ થયો ! બોલો.


હજી અમુક લોકોને આ નવા ટ્રાફિક-દંડના ધોરણો સમજાતાં નથી પરંતુ તેને આ રીતે સમજો…

***

સમજુતી :

આખો મહિનો અન-લિમિટેડ ટોક-ટાઈમ વડે મોબાઈલમાં વાત કરવાના માત્ર 149 રૂપિયા…

અને વાહન ચલાવતી વખતે મોબાઈલમાં એક વાર વાત કરવાના 1000 રૂપિયા.

સલાહ :

ચાલુ વાહને પત્ની જોડે વાત કરવી નહિ. ગર્લફ્રેન્ડ જોડે વાત કરવી હોય તો ગાડી સાઈડમાં લઈ લેવી.

***

સમજુતી :

ઓફિસમાં મોડા પડો તો કોઈ દંડ નથી… 000 રૂપિયા.

ઓવરસ્પીડમાં વાહન ચલાવશો તો 5000 રૂપિયા.

સલાહ :

મોડા પડવા બદલ બોસ ખખડાવે તો કહેવાનું “બોલો, તમે 5000 રૂપિયા આપશો ?”

***

સમજુતી :

દારૂ પીને ‘ચંદ્રયાન’ કે ‘મંગળયાન’ ચલાવતાં ઉડતા હશો તો માત્ર 500 રૂપિયા દંડ છે.

અને દારૂ પીને સ્કૂટર કે કાર ચલાવતા પકડાશો તો 10,000 રૂપિયા દંડ છે.

સલાહ :

ચંદ્રયાન કે મંગળયાન ઓન-લાઈન વેચાતું હોય તો બુક કરાવી દેવું. સસ્તું પડશે.

***

સમજુતી :

હિટ એન્ડ રન કેસમાં (ટક્કર મારીને ભાગી છૂટો તો) 2 લાખનો દંડ છે.

અને બે વરસ પછી કોર્ટમાં પુરાવાને અભાવે છૂટી જાવ તો ફ્રી ઓફ ચાર્જ છે.

સલાહ :

અત્યારથી સારા વકીલોનો કોન્ટેક્ટ કરી રાખવો સારો. સલમાનનો વકીલ ઓલરેડી ઓવર-બુક થઈ ગયો છે.

***

સમજુતી :

ઈમરજન્સી વાહન (એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ)ને સાઈડ નહીં આપો તો 10 હજારનો દંડ.

સલાહ :

આમાં સમજવા જેવું કશું છે જ નહિ. રોંગ સાઈડથી ઘૂસેલાં 20 વાહન અને ટ્રાફિક જામમાં સાચી સાઈડમાં ફસાયેલાં 30 વાહન વચ્ચે ઈમરર્જન્સી વાહન છુટું મુકીને સરકારે પાંચ-પાંચ લાખ ઉઘરાવી લેવાનો નવો 'ધંધો' ચાલુ કર્યો છે ! મંદી છે ને…

***

- મન્નુ શેખચલ્લી

Comments