લો બોલો, છેલ્લા ચાર મહિનાથી જે સોશિયલ મિડીયા અને ‘એક્સ્પર્ટો’ મંદી મંદી... નું રડતા હતા તે મંદી એક ઝાટકે પતી ગઈ ! સરકારે એક સામટા 1 લાખ 72 હજાર કરોડ રિઝર્વ બેન્કમાંથી લાવીને ઠાલવી દીધા !
શુ થાય, ‘મંદી’ તો દૂર કરવી જ પડે ને ? બિચારા શેરબજારીયાઓની ‘મૂડી’ (કાગળિયાં)નું ‘ધોવાણ’ થઈ રહ્યું હતું ! બિચારા પૈસાદારો કાર ખરીદતા અટકી ગયા હતા ! અરે, એ તો ઠીક, ગામડાનાં ગરીબો બિસ્કીટા ખાતા બંધ થઈ ગયા હતા ! બોલો.
આ બધા ધંધાઓમાં મંદી આવી જાય છે પણ સાલું, શિક્ષણના ધંધામાં કદી મંદી આવતી જ નથી ! એમાં સૌથી મોટો માર કોને પડે છે, ખબર છે ? બિચારા મિડલ ક્લાસને.
જરા મારી સાથે હિસાબ ગણતા રહેજો. શાલા-કોલેજનાં ટોટલ 13 થી 15 વરસ ભણ્યા પછી એક એવરેજ ગ્રેજ્યુએટને સ્ટાર્ટિંગ સેલેરી શું મળે છે ? 12000 થી 15000 ?
હવે માની લો કે એ પરણ્યો. ભાડાનું ઘર લીધું. એક રૂમ અને એક કીચનવાળા ઘરનું ભાડું કેટલું ? 6000 થી 8000 ? દરમ્યાનમાં બિચારાનો પગાર પણ વધ્યો. ઘરમાં એક બાળક આવ્યું. બાળક ત્રણ વરસનું થયું.
બસ ! શિક્ષણના ‘રાષ્ટ્રિય ઉદ્યોગ’નો વધુ એક ‘ઘરાક’ (કન્ઝ્યુમર) પેદા થઈ ગયો ! એ ઓર્ડિનરી કીન્ડર-ગાર્ટનમાં જશે તોય એનો બાપો વરસે દહાડે 15000 થી 35000ની ફી ઢીલી કરશે.
પછી એ પ્રાયમરી સ્કૂલમાં જશે. ફી કેટલી ? 35000 થી 65000... હાઈસ્કુલમાં 50000 થી 1.10 લાખ... અને કોલેજમાં ? વરસની 1.50 લાખથી 5 લાખ !
જરા હિસાબ માંડો. બાપાને એક ગ્રેજ્યુએટ કેટલામાં પડ્યો ? 15 લાખથી 25 લાખમાં. રાઈટ ? હવે, બે બાળકો તો હોય જ ને ? એટલે બાપના 30 થી 50 લાખ રૂપિયા ગયા શિક્ષણના ‘ધંધામાં’ !
તમે સાવ મિડલ-ક્લાસિયો હિસાબ માંડી જુઓ મારા સાહેબો, જો તમે મહિને 8-10 હજારનો હપ્તો 15 વરસ સુધી ભરો તો 25-30 લાખનો ફ્લેટ તમારો ‘પોતાનો’ થઈ જાય. અર્થ-શાસ્ત્રની ભાષામાં એને ‘એસેટ’ કહેવાય.
આ બાજુ તમારા બે ગ્રેજ્યુએટો 30-30 લાખ નાંખવા છતાં હજી ‘લાયેબિલીટી’ છે ! જસ્ટ વિચાર કરો, આપણા દેશમાં આજે આવી 15 થી 20 કરોડ લાયેબિલીટીઓ એમના મા-બાપને માથે બેઠી છે !
એમાંથી અડધી તો ‘નવરી-બજાર’ છે ! કેમ ? કારણ કે 30 થી 50 લાખ ખરચવા છતાં પેલી સેલ્ફ ફીનાન્સ શાળા-કોલેજો એમને વીસ-વીસ વરસ જુના કોર્સ ભણાવે છે. જે જોબ-માર્કેટમાં તદ્દન નકામા છે.
આ સેલ્ફ-ફીનાન્સ શાળા-કોલેજોના માલિકો (હા ‘માલિકો’… ટ્રસ્ટીઓ નહીં) મા-બાપના પૈસે પોતાનાં સેલ્ફનાં ઘરમાં કરોડોનું ફીનાન્સ ભેગું કરી ચૂક્યા છે. એમને કદી ‘મંદી’ નડવાની જ નથી !
સરકાર કાર ઉદ્યોગને, હીરા ઉદ્યોગને, બિસ્કીટ ઉદ્યોગને અરે, સોના-ચાંદીનાં ઘરેણાં ઉદ્યોગને ઉગારવા માટે પેકેજો, રાહતો, નિતિઓ બનાવશે પણ બિચારા કરોડો મા-બાપોનાં બેઈલ-આઉટ પેકેજો કદી નહીં બને. કેમ ? કારણ કે એમણે એમના બેઈલ (જામીન) રૂપે એમને પોતાનાં સંતાનોને લખી આપ્યાં છે.
મંદી... મંદી... આવાં ગાણાં સાવ બોગસ છે. જ્યાં મા-બાપની ત્રીજા ભાગની આવક આવી કરોડો ભણેલી ગણેલી ‘લાયેબિલીટી’ ઊભી કરવામાં જ રોકાયેલી રહે ત્યાં બાકીના બજારોમાં નાણાં ફરે જ ક્યાંથી ?
જો ખરેખર સાચી તેજી જોઈતી હોય તો શાળા-કોલેજોની ફીનું ‘નિયંત્રણ’ કરવાનાં નાટકો બંધ કરીને મા-બાપનાં નાણાંનું રોકાણ અતિશય ઘટાડો અને શિક્ષણ દ્વારા યોગ્ય ‘રિટર્ન’ મળે એવું કંઈક કરો. ટુંકમાં, આ શિક્ષણના ધંધામાં ‘મંદી’ લાવો મારા બાપ !
બાકી, POK જીતી લઈશું તોય ‘કારનાં વેચાણો ઘટી રહ્યાં છે’ એવી નકલી મંદી તો કદી જવાની જ નથી.
***
- મન્નુ શેખચલ્લી
Email : mannu41955@gmail.com
Comments
Post a Comment