એ જમાનાની ફિલ્મોનાં 'નંબરિયાં'...


હજી તો સેન્સર બોર્ડનું સર્ટિફીકેટ પરદા ઉપર દેખાય ત્યાં તો આખા સિનેમા હોલમાં ‘સામૂહિક ગણગણાટ’ ફેલાઈ જાય :

“સોળ રીલ..." "સત્તર રીલ..."  "અરે ? ચૌદ રીલનું જ પિકચર? ”

એ પછી આવે ફિલ્મ પ્રોડક્શન કંપનીનો લોગો... જેમિનીની ફિલ્મ હોય તો કાળા જાંઘિયા પહેરેલા બે ટેણિયાઓ હાથમાં પીપૂડાં લઈને આવે... સોહરાબ મોદીની મિનરવા મુવિટોનમાં પૃથ્વીના ગોળા કરતાં મોટી સાઈઝનો સિંહ ગોળા ઉપર ડાચું ફાડીને બેઠો હોય...

બી. આર. ફિલ્મસમાં ગોળા ઉપર ગામડાનું કપલ હોય. સ્ત્રીએ માથા ઉપર ઘાસનો ભારો  ઉંચક્યો હોય અને પુરુષ એક હાથમાં મોટો હથોડો અને બીજા હાથમાં  કોઈ રેલ્વે એન્જિનના ગિયરનું દાંતવાળું ચકરડું લઈને પૃથ્વીના ગોળા ઉપર ઊભો હોય.

રાજકપૂરની દરેક ફિલ્મમાં સૌથી પહેલાં પૃથ્વીરાજ કપૂર ‘ઓમ નમઃ શિવાય’ના મંત્રો બોલીને શિવલિંગ ઉપર ફૂલ ચડાવે અને પછી રાજ સાહેબ એક હાથમાં વાયોલીન અને બીજા હાથમાં કમરથી લટકી પડેલી નરગિસને (મતલબ કે એવા સ્ટેચ્યુને) લઈને ઊભો હોય.

વી. શાંતારામની ફિલ્મમાં નર્તકી તેનાથી ચાર ગણી સાઈઝના કમળમાં ઊભી હોય, પાછળ સૂરજ ઉગતો હોય, આગળ તળાવ હોય અને એમાં જુઈ કે ચમેલીનાં ફૂલોની અંજલિ પવન વડે (કે ફૂંક વડે) ઓટોમેટિકલી અપાતી હોય તેવું દૃશ્ય હોય... પછી નીચે લખેલું આવે, રાજકમલ કલામંદિર.

આજકાલની ફિલ્મોમાં પણ આવા ભવ્ય લોગો આવે છે પણ એમાં પ્રોડ્યુસરનો લોગો કયો, ડિસ્ટ્રીબ્યુટરનો કયો, મ્યુઝિક કંપનીનો કયો તે આપણે જાતે શોધી લેવાનું હોય છે. એમાં યાદી આજકાલ તો એક ફિલ્મની પાંચ પાંચ પ્રોડક્શન કંપની હોય છે.

ત્યાર બાદ ફલાણા પાર્ટનર, ઢીંકણા પાર્ટનર એમ કરીને મિનિમમ બે ડઝન નામોનાં લોગો આવે છે. ટુંકમાં,આજની ફિલ્મોમાં આ બધા લોગો-ટાઈમનો સરવાળો કરીએ તો મિનિમમ સાડા સાત મિનિટ થઈ જાય છે. (બોલો, આટલી વારમાં તો મનમોહન દેસાઈની ફિલ્મોમાં બાળપણના બે ભાઈઓ છૂટા પડીને મોટા પણ થઈ જાય !)

જુની ફિલ્મોમાં ‘નંબરિયાં’ (એટલે કે ક્રેડિટ ટાઈટલ્સ) જોવાની મઝા કંઈ અલગ હતી. પ્રોડક્શન કંપનીનું બેનર આવી જાય પછી ‘ઢેનટેણેન...’ કરીને ત્રણ ત્રણ ભાષામાં ફિલ્મનું નામ લખેલું આવે. પછી ‘નંબરીયા-મ્યુઝિક’ ચાલુ થાય.... એમાં પિકચરનાં તમામ ગીતોની ઝલક વારફરતી જુદાં જુદાં સંગીત-વાદ્યો  વડે સંભળાવવામાં આવે.

આ દરમ્યાન ફિલ્મના અસલી રસિયાઓ તો નાનામાં નાની ક્રેડિટ્સ ધ્યાનથી વાંચતા હોય ! જેમ કે ડ્રેસીસ તો કે.બી. ડ્રેસવાલાના જ, સ્પેશિયલ ઈફેક્ટ બાબુભાઈ મિસ્ત્રીની, સેટિંગ્સ કનુ દેસાઈ, રિ-રેકોર્ડિંગ હિતેન્દ્ર ઘોષ અને ફાઈટ્સ શેટ્ટી કે વીરુ દેવગણ. (આ બન્ને ફાઈટ માસ્ટરોના દિકરા રોહિત શેટ્ટી અને અજય દેવગણની આજની એકશન ફિલ્મોની ક્રેડિટમાં બિચારા ફાઈટ માસ્ટરોનાં નામ બિલોરી કાચ વડે શોધવા પડે એટલાં ઝીણા હોય છે. બોલો.)

ચારથી પાંચ મિનિટ જેટલાં ચાલતાં આ નંબરીયાંનો ફાયદો એ હતો કે બહાર ટિકીટબારી ઉપર અથવા ટિકીટોનાં બ્લેક કરતા માણસો પંદર મિનિટ મોડા આવતા પ્રેક્ષકોને કહી શકે કે “હજી હમણાં જ નંબરીયાં પત્યાં... લઈ લો ટિકીટ!”

આજે જુની ફિલ્મો યુ-ટ્યૂબ ઉપર જોઈએ તો આસિસ્ટન્ટોની ક્રેડિટો વાંચીને નવાઈ લાગે “ઓહોહો.. ઋષિકેશ મુખર્જી તો ઠીક, રામાનંદ સાગર પણ બિમલ રોયના આસિસ્ટન્ટ હતા ?”

એ સમયે સહાયક કલાકારોનાં નામો લોકો ફોટો જોઈને કહી આપતા હતા. ઈફ્તેખાર, મદનપુરી,જયરાજ, મુકરી, કનૈયાલાલ, સુલોચના, કુમકુમ, ફરીદા જલાલ, લલિતા પવાર વગેરે.

આજે આવા બધાં નામો છેક છેલ્લે આવે છે ! આવા વખતે પ્રેક્ષકોને ખાસ ડિસ્ટર્બ કરવા માટે  એક સાઈડે ફિલ્મનું કોઈ રિ-મિક્સ ગાયન બતાડે રાખે છે. એ તો ઠીક, મલ્ટિપ્લેક્ષવાળા હોલમાં લાઈટો ચાલુ કરી નાંખે છે ! જાણે કહેતા હોય “ચાલો, નીકળો હવે ! આવું બધું શું વાંચ્યા કરો છો ?”

***

- મન્નુ શેખચલ્લી

Comments

  1. સળગતા દિવા સામે  હાર ચઢાવેલો ફોટો પણ ઘણી વાર જોવામાં આવે!! M I RT??? and special appearancec ??

    ReplyDelete
  2. હા હા હા હા હા સાચી વાત છે !

    ReplyDelete

Post a Comment