ભાષા વિના પણ સમજાય ?


મોદી સાહેબ ભલે કહ્યા કરે કે રોજ બીજી ભાષાનો એક નવો શબ્દ શીખો, પણ સાહેબ, અમુક સિચ્યુએશનોમાં બીજી ભાષાનો એક પણ શબ્દ સમજ્યા વિના આખી વાત સમજાઈ જતી હોય છે ! જેમ કે...

***

કોઈ આફ્રિકન દેશનો કેપ્ટન મેચ હારી ગયા પછી બોલતો હોય :

“ઓયાયા... ઓલાબે સિબૂલો કુબુલા... બાકાને ઝિંગાબૂગે ઝિંઝુમ્બે ઈ ઓયાયા ઝુમ્બા ઝિ બુકાબુકા.. યાયાયા....”

આનો અનુવાદ એક જ થાય :

“અં... હા, એ તો અમે બે ત્રણ મહત્વનાં કેચ પકડી ના શક્યા, અમારી બોલિંગ નબળી હતી અને બેટ્સમેન નિષ્ફળ ગયા... એટલે...”

***

ટીવીમાં આપણે જોઈએ કે રિપોર્ટરોનું ટોળું માઈકો લઈને ધસી રહ્યું છે. કોઈ વિદેશી નેતા એમને એવોઈડ કરતો કારમાં  બેસી જાય છે અને બારીના કાચ બંધ કરતાં કહે છે :

“મિંશ્યોંરી બુર્ઝવાને મિત્રીંદા... ઉ.. ફ્યુઝાને દા ત્વાઝીકોઝીરીયા ના... ઝે... મિંત્રાન્દેશ્વા ઝુકેર્રબાના ઝે... પ્રોતિશિયા...”

આટલું સાંભળીને સમજ પડી જાય કે :

“આ બધી મિડિયાએ ઊભી કરેલી ગેરસમજ છે. મેં એવું કશું જ કર્યું નથી. મારી સામેના આરોપ પુરવાર થશે તો હું રાજકારણ છોડી દઈશ..”

***

અફઘાનિસ્તાનની પહાડીઓ ઉપર ઊભેલો કોઈ ખતરનાક દાઢીવાળો હાથમાં મશીનગન લઈને ભલે આવા ઘાંટા પાડતો હોય :

“અલબખ્તાખૈંઈ મુર્રબ્બાનીઈ અલ-હબીબી અલ-ઝલીલી... અમરિકાનાઉર્રફતારી... મખ-બકબુલીઈ ખર્રાર્રાખ્વાઆ ઝબીબી...”

એનો એક જ મતલબ થાય :

“અમે અમેરિકાને ખતમ કરીને જ જંપીશું ! બસ.”

***

બાકી જો શશી થરૂર એમ બોલે કે...

“ઈન ધ એબ્સેન્સ ઓફ ધી ઈમ્પ્રોપર ઈન્ટરપ્રિટેશન ઓફ સર્ટન ઓબ્સ્કયોર ગ્રામેટિકલ ફ્રેઝિસ ઈન ધી ક્વીન્સ લેન્ગવેજ, આઈ મે કનક્લુડ ટુ એઝ્યુમ માય ઈનેબિલીટી ઓફ સોર્ટ્સ...”

તો સમજવું કે :

“મારે તમને કંઈ કહેવું જ નથી, જાવ !”

***

- મન્નુ શેખચલ્લી

 

Comments