કોંગ્રેસની નવી ટચૂકડી જાહેરખબરો


મહારાષ્ટ્ર અને હરિયાણામાં આવતા મહિનામાં ચૂંટણીઓ આવી રહી છે. આવા સમયે કોંગ્રેસે પોતાની (તૂટી ગયેલી) કમર કસવા માટે થોડી ટચૂકડી જાહેરખબરો આપવાનું વિચાર્યું છે...

***

જોઈએ છે તાંત્રિકો

કોંગ્રેસને 10, જનપથની બહાર કયાં કયાં અને શું શું નડે છે તે શોધીને તેની નડતર નિવારણ વિધિ કરી આપનારા તાંત્રિકો જોઈએ છે.

ખાસ નોંધ : 10, જનપથની બહારનું જ શોધવાનું છે. અંદર શું નડે છે તે તો બધા જાણે છે.

***

જોઈએ છે ટુર-ઓર્ગેનાઈઝર

એક યુવાન અને આશાસ્પદ નેતાને ચિંતન, મનન કે શુધ્ધિકરણ.... કોઈપણ બહાને આ એક મહિના માટે ક્યાંક અજ્ઞાત સ્થળે મોકલી આપનાર ટુર ઓર્ગેનાઈઝર જોઈએ છે.

કારણ કે અમારા નિષ્ણાતો કહે છે કે એ યુવા નેતા જ્યાં નથી ફરકતા ત્યાં કોંગ્રેસની જીતના ચાન્સ વધી જાય છે.

***

જોઈએ છે વાયરસ ડેવલપર

વોટ્સ-એપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ કે અન્ય તમામ પ્રકારના સોશિયલ મિડીયામાં જ્યાં જ્યાં ‘રાહુલ’ કે ‘પપ્પુ’ શબ્દ આવે તે મેસેજ એની મેળે ‘ડિલીટ’ જ થઈ જાય તેવો વાયરસ બનાવી આપનારા જિનિયસો જોઈએ છે.

- ઈનામમાં પી. ચિદમ્બરમ્ના સ્વીસ-બેંકના ખાતાના પાસવર્ડ આપવામાં આવશે. રકમ જાતે હેક કરી લેવી.

***

જોઈએ છે પદયાત્રીઓ

ગાંધી જયંતિ નિમિત્તે ભારતનો શાહી પરિવાર મહારાષ્ટ્રમાં પદયાત્રા કરવા નીકળવાનો છે તે સમયે તેમની સાથે પદયાત્રા કરનારા સાહસિકો જોઈએ છે.

ખાસ નોંધ : ‘પદ’નો અર્થ ‘પગ’ જ કરવો, ‘સત્તાસ્થાન’ નહીં,કારણ કે એ ચીજ હાજર સ્ટોકમાં ઓછી છે.

***

જોઈએ છે આંદોલનકારીઓ

જો આખેઆખી કોંગ્રેસ એના પ્રમુખ વિના ચાલી શકે છે તો આ બે વિધાનસભાઓ ચૂંટણી વિના કેમ ના ચાલી શકે ? એવું આંદોલન કરનારાઓ જોઈએ છે...

- ચૂંટણી લડી લડીને થાકી ગયા છીએ ભૈશાબ, હવે થોડીવાર તો શાંતિ રાખો, મોદી સાહેબ ?

***

- મનુ શેખચલ્લી

 

Comments