ચંદ્રયાનનું ‘વિક્રમ’ મોદી સાહેબ માટે વિક્રમ સર્જતાં સર્જતાં રહી ગયું ! પણ વાંધો નહિ. બિચારા કોમનમેનને હજી સમજાતું નથી કે છેક ચંદ્ર સુધી જઈને આપણે શું લાડવા લઈ લેવાના છીએ ?
આવા અબોધ આમ આદમીઓ માટે અમે થોડી સમજુતીઓ બનાવી છે.
***
સ્પેસ એટલે શું ?
એ બ્રહ્માંડની મોટી મોટી વાતો જેવું છે. સૌને આશ્ચર્યચકિત કરે છે પરંતુ તેની સચ્ચાઈ શું છે તેની બહુ ઓછા લોકોને ખબર છે.
***
સ્પેસ-વિઝન કેવું હોય?
આ ભગવાનનાં દર્શન જેવું છે. દૂરથી દર્શન કરો અથવા ફોટામાં, gif માં કે મૂર્તિમાં ( થ્રીડી મોડલમાં) જોઈને રાજી થાવ.
***
સ્પેસ-રિસર્ચ કોને કહેવાય ?
આધ્યાત્મિક જ્ઞાન જેવું છે. જેટલા ઊંડા ઉતરવું હોય એટલા ઊંડા ઉતરી શકાય પરંતુ તેનો તાત્કાલિક કોઈ ફાયદો થતો નથી. છતાં તમે બહુ જ્ઞાની ગણાઓ છો.
***
સ્પેસ-પ્રોગ્રામ એટલે શું ?
આ તમારા પગારમાંથી કપાતા પ્રોવિડન્ટ ફન્ડ જેવું છે. જેનો ફાયદો તમારી આવનારી પેઢીને મળશે એવું માની લેવાનું હોય છે.
***
સ્પેસ-મિશન કેવું હોય ?
નેતાઓનાં મોટાં મોટાં વચનો જેવું હોય છે. જેમકે ત્યાં પાણી મળશે.. ખનિજ મળશે... વગેરે વગેરે. પણ તમારા નળમાં 24 કલાક માટે ચોખ્ખું પાણી શી રીતે આવશે તેનો જવાબ નહિ મળે.
***
અવકાશયાન કેવાં હોય ?
આ VIP નેતાઓ જેવાં હોય છે. એ ક્યાં છે, શું કરે છે, શું નથી કરતા તેની ખબર અમુક ખાસ માણસોને જ હોય છે.
***
અવકાશયાત્રી કેવા હોય ?
આ લોકો ફેમસ બ્રાન્ડ એમ્બેસેડરો જેવા હોય છે. જેમણે જે તે બ્રાન્ડ માંડ થોડા સમય માટે વાપરી છે છતાં બધાને એવો ભ્રમ ઊભો થાય છે કે એ બ્રાન્ડ બહુ ઉપયોગી છે.
***
સ્પેસ સાયન્ટિસ્ટ કેવા હોય ?
આ લોકો એબ્સર્ડ પેઈન્ટિંગ ચીતરતા આર્ટિસ્ટો જેવા છે. એ લોકો શું ચીતરે છે એ બીજા કોઈને સમજાતું નથી. અને જેને સમજાય છે તે બીજાને સમજાવી શકતા નથી !
બોલો, જય સ્પેસ સાયન્સ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment