‘મિશન મંગલ’ના ક્રિએટિવ ડિરેક્ટર એસ. બાલ્કીને ખબર હતી કે જો ફિલમમાં રોકેટ સાયન્સની થિયરી આવશે તો પ્રેક્ષકો સીટમાં જ બેઠાં બેઠાં ‘અવકાશ’ (છુટ્ટી) માણી લેશે.
બીજો ઓપ્શન એ હતો કે ભારતીય સંસ્કૃતિની આરતી ઉતારતાં, પુરાણોનાં ગુણગાન ગાતાં આખી ફિલ્મ બનાવવી.(જેમ કે, “આખી ઉપગ્રહની થિયરી શોધ તો ભીમે જ કરી હતી... એણે ગોળ ગોળ ઘુમાવીને જે દુશ્મનોના રથ હવામાં ફેંક્યા એ હજી અવકાશમાં તરે છે !”) છે
જોકે, એમાં જોખમ એ હતું કે ખુદ મોદી સાહેબની લાઈફ ઉપર બનેલી ફિલ્મ જોવા માટે જેટલા ભક્તો ગયા હતા એનાથી અડધા ભક્તો પણ શુદ્ધ ભારતીય ‘સંસ્કારી મંગલયાન’ જોવા ના આવે !
એટલે બાલ્કીએ ત્રીજો ઓપ્શન વિચાર્યો : “રોકેટ સાયન્સને બદલે કિચન સાયન્સ !” આમાં ફાયદો એ છે કે બહેનોને ‘ટપ્પી’ પડે !
આખી ફિલ્મમાં જ્યાં ને ત્યાં રોકેટ સાયન્સને બદલે કીચન સાયન્સ જ ભણાવ્યું છે ! જુઓ...
***
ગેસના બાટલા-સાયન્સ
એક બાજુ, મોદી સાહેબે આપણી પાસેથી સબસીડીવાળો બાટલો ‘ત્યાગ’ કરાવીને પડાવી લીધો અને બીજી બાજુ બિન-રાહતવાળો બાટલો મોંઘો કરી નાંખ્યો.
આમાં બિચારી ઘરવાળી કરે શું ? સિમ્પલ, એકવાર કડાઈમાં તેલ ઉકળતું થઈ જાય પછી ગેસની સગડીની સ્વીચ બંધ કરીને તળાય એટલી પુરીઓ તળી લેવાની !
મંગળયાનમાં પણ આ જ થિયરીનો ઉપયોગ થયો છે. એક વાર યાન શૂન્યાવકાશમાં પહોંચી જાય પછી સબસીડી, સોરી, ઈંધણ બંધ કરી દેવાનું !
***
ટૂથપેસ્ટ સાયન્સ
આ સિધ્ધાંતની શોધ બેંગલોરના ISROમાં નહિ પણ અમદાવાદની પોળમાં થઈ હતી !
ટૂથપેસ્ટને હાથ વડે દબાવીને અંદરની પેસ્ટ ના કાઢી શકાય તો શું કરવાનું ? વેલણ ફેરવવાનું !
એ જ રીતે મંગળયાનન કર્મચારીઓ જુના ખંડેર જેવા બિલ્ડીંગમાં ‘રિસર્ચ’ કરવાને બહાને ઓવર-ટાઈમ કરી કરીને સરકારી બજેટનો ‘કસ’ કાઢી નાંખે છે !
***
ચાદર-ઓશિકાં-ગોદડી સાયન્સ
જે રીતે બહેનો જુની ચાદરમાંથી નવા પરદા, તથા જુના પરદામાંથી ઓશિકાનાં ગલેફ બનાવી નાંખી છે અને ઘસાયેલી સાડીઓ ભેગી કરીને ગોદડી સીવી નાંખે છે એ જ રીતે ISROની મહિલા સાયન્ટિસ્ટો બંધ પડેલા ‘ચંદ્રયાન’ પ્રોજેક્ટનાં સાધનોમાં સાંધા મારીને ‘મંગળયાન’ પ્રોજેક્ટમાં વાપરી નાંખે છે !
***
પ્યાલા બરણી પસ્તી સાયન્સ
બહેનો જે રીતે ઘરમાં ન વપરાતાં જુનાં કપડાંને બદલે નવી તપેલી, થાળી, વાટકો વગેરે લઈ લે છે એ જ રીતે ISROની મહિલા કર્મચારીઓ જુના એન્ટિક ફર્નિચરના બદલામાં નવાં ખુરશી-ટેબલ લઈ આવે છે.
એટલું જ નહિ, ઓરડાના ઓરડા ભરાય એટલી બધી જુની સરકારી ફાઈલો પસ્તીમાં વેચીને એના બદલે નવાં લેપ-ટોપ લઈ આવે છે !
***
તારામંડળ સાયન્સ
આ દિવાળીના તારામંડળની વાત નથી ! ખગોળશાસ્ત્રના તારામંડળની પણ વાત નથી ! આ તો ‘સ્ટાર’ પાવરની વાત છે !
એસ. બાલ્કીએ અક્ષયકુમાર જેવો એક મોટો સ્ટાર લઈ લીધો અને બીજી બાજુ સસ્તા ભાવનાં તારામંડળ જેવી પાંચ હિરોઈનો ભેગી કરી લીધી !
***
ઘર-પંચાત સાયન્સ
‘મંગળયાન’માં સાયન્ટિફિક સમસ્યાઓ શું હતી તેની માથાકુટમાં પડ્યા વિના બાલ્કી સાહેબ પેલી પાંચ મહિલાઓની ઘર-ઘરની ‘પંચાત’ જ બતાડ્યા કરે છે !
હવે બોલો, બહેનોને તો ફિલ્મ ગમે જ ને ? અને બહેનોને ગમે, એટલે ભાઈઓએ ગમાડ્યા વિના કંઈ છૂટકો છે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment