ટ્રાફિક નિયમ-ભંગના નવા દંડને લીધે પોલીસો ડંડા ઉગામીને ડાંડીયા રમે છે અને પબ્લીક પીયુસી / લાયસન્સ / વીમો કઢાવવા ગરબે રમતી થઈ ગઈ છે !
આવા સંજોગોમાં નવા નવા ગરબા બની રહ્યા છે. (નોંધ : પેરોડી વાંચતી વખતે અસલી ગરબાની કલ્પના જાતે કરી લેવી.)
***
અમદાવાદીનો ગરબો
એક લાલ દરવાજે,
મેમો ફાડિયા રે લોલ.
વહુ તમે ના જશો જોવા,
કે ત્યાં પોલીસ બડો મિજાજી !
***
મોદી સાહેબનો ગરબો
પેલા દિલ્હીવાલા મોદી મને દંડ ભરાવે,
દંડ ભરાવે નહિ તો ડંડા ખવરાવે...
***
ખાડાનો ગરબો
RTO ગ્યા તાં રે બેની અમે બપોરના,
ખાડામાં લપસ્યો પગ,
પ્લાસ્ટર લગવાણાં રે...
***
મહેસાણાનો ગરબો
મારી મહિસાગરની આરે, મેમો ફાટે છે !
***
રૂપાણી સાહેબનો ગરબો
રૂપાણી તારા ઊંચા ફાઈન ને નીચા ખાડા,
કે રોડમાં ભૂવા પડે રે લોલ...
***
ઝવેરચંદ મેઘાણીનો ગરબો
દંડ જોઈ ઘુરકાટ કરે
દંડ જોઈ ઘુરકાટ કરે
મારું સ્કુટી...
દંડ જોઈ ઘુરકાટ કરે
ભેળા મળીને પોલીસવાળા...
માંડવાળીની વાત કરે
ને, માંડવાળીના દંડ કરે...
મારું સ્કુટી, દંડ જોઈ
ઘુરકાટ કરે...
***
પોલીસવાનનો ગરબો
પોલીસવાનો આવી,
ને મોટા મેમો લાવી,
મારી બેનો, સડક પર કાળો કેર છે !
***
કાનૂન-તોડ પોલીસનો ગરબો
ઓ દંડ રસિયા,
ક્યાં કરી આવ્યા ત્રાસ રે,
પોતે હેલમેટ નથી પહેરી,
ને ચરબી ભારે ચડી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment